મોસ્કોઃ રશિયાએ જણાવ્યું છે કે તે યૂક્રેનના પાટનગર કીવ અને યૂક્રેનના ઉત્તરીય શહેર ચર્નિહીવની આસપાસ પોતાની લશ્કરી પ્રવૃત્તિઓમાં ધરખમપણે કાપ મૂકી દેશે. દેખીતી રીતે જ, આને બંને પડોશી દેશ વચ્ચે શાંતિ સમાધાન કરવાની દિશામાં આ એક મોટી પ્રગતિ તરીકે જોવામાં આવે છે.
તૂર્કીના પાટનગર ઈસ્તંબુલમાં રશિયા અને યૂક્રેનના પ્રતિનિધિમંડળો વચ્ચે યોજાયેલી મંત્રણા બાદ રશિયાના નાયબ સંરક્ષણ પ્રધાન એલેકઝાંડર ફોમિને ઉપર મુજબની બાંયધરી આપી હતી. એમણે પત્રકારોને જણાવ્યું કે, પરસ્પર વિશ્વાસ વધારવા તથા વધારે વાટાઘાટો યોજી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે કીવ અને ચર્નિહીવમાં લશ્કરી પ્રવૃત્તિમાં ધરખમપણે ઘટાડો કરવાનો અમે નિર્ણય લીધો છે.