રશિયાનો અમેરિકા પર આરોપ: ‘નોર્થ કોરિયાને ભડકાવી રહ્યું છે અમેરિકા’

વોશિંગ્ટન- રશિયા અને અમેરિકા વચ્ચેનો અણબનાવ ફરી એકવાર જગજાહેર થયો છે. રશિયાએ નોર્થ કોરિયા સાથે સંબંધો તોડવાની અમેરિકાની અપીલ નકારી કાઢી છે. અને રશિયાએ અમેરિકા પર આરોપ લગાવતાં જણાવ્યું છે કે, વોશિંગ્ટન કિમ જોંગને ઉકસાવી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, એક દિવસ પેહલા જ અમેરિકાએ ચેતવણી ઉચ્ચારી હતી કે, જો યુદ્ધ થશે તો ઉત્તર કોરિયા પ્રશાસનનો સંપૂર્ણ નાશ થશે. અમેરિકાએ અન્ય દેશોને પણ નોર્થ કોરિયા સાથે રાજકીય અને વ્યાવસાયિક સંબંધો તોડી નાંખવાનું આહ્વાન કર્યું છે. જોકે રશિયાના વિદેશપ્રધાને અમેરિકાની આ અપીલ નકારી કાઢી છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાએ હાલમાં જ તેના આંતરખંડીય બેલેસ્ટીક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. અને દાવો કર્યો હતો કે, તેની આ મિસાઈલ અમેરિકાના કોઈ પણ વિસ્તારમાં પ્રહાર કરવા સક્ષમ છે.

રશિયાના વિદેશપ્રધાને બેલારુસની રાજધાનીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમેરિકાની અપીલને રશિયા નકારાત્મક રીતે જોવે છે અને તેને નકારે છે. વધુમાં રશિયાના વિદેશપ્રધાને અમેરિકા પર આરોપ લગાવ્યો કે, ટ્રમ્પ પ્રશાસન કિમ જોંગને ભડકાવવાનો પ્રયાસ કરે છે. અને એ વાતની માહિતી અને સત્યતા મેળવવા રશિયન વિદેશપ્રધાને આગ્રહ કર્યો કે, શું અમેરિકા નોર્થ કોરિયાને નષ્ટ કરવા પ્રયાસ તો નથી કરી રહ્યું?