પુલવામા ઘટનાને લઈ પાકિસ્તાન તાણમાં, વિદેશપ્રધાને સ્થગિત કરી જાપાન યાત્રા

ઈસ્લામાબાદઃ પુલવામામાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠને કરેલા આતંકી હુમલા બાદ ભારત સાથે તણાવને લઈને પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ જાપાનની પોતાની પ્રસ્તાવિત યાત્રાને સ્થગિત કરી છે. કુરૈશીએ પોતાના જાપાન સમકક્ષને ફોન કર્યો અને તેમને ટોકિયોની પોતાની સત્તાવાર યાત્રા સ્થગિત કરવાના કારણ મામલે અવગત કર્યાં હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર કુરેશીએ કહ્યું કે પુલવામા હુમલા બાદ કાશ્મીર સહિત આખા દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. તેમણે કહ્યું કે આ પ્રકારની સંવેદનશીલ સ્થિતિમાં તેમનું દેશમાં રહેવું મહત્વપૂર્ણ અને જરુરી છે. તેમણે કહ્યું કે મેં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને પત્ર લખ્યો છે અને તેમને તણાવને ઓછો કરવામાં પોતાની ભૂમિકા નિભાવવા માટે આગ્રહ કર્યો છે અને જાપાનને પણ તેમાં સક્રિય ભૂમિકા નિભાવવાનો અનુરોધ કરું છું.

બંને વિદેશપ્રધાનોએ કાર્યક્રમને ફરીથી નક્કી કરવા મામલે સહમતિ વ્યક્ત કરી. ગત સપ્તાહે વિદેશ કાર્યાલયે જાહેરાત કરી હતી કે કુરેશી 24 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી જાપાનની યાત્રા કરશે અને પોતાના સમકક્ષ તેમ જ વડાપ્રધાન સાથે મુલાકાત કરશે.

ઉલ્લેખનીય છે કે જમ્મુકશ્મીરના પુલવામામાં પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો ભરેલા એક વાહનને સુરક્ષા દળની કાર સાથે અથડાવ્યું હતું જેનાથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 40 જવાનો શહીદ થયાં હતાં.