‘અમે જો ભારત પર એક અણુબોમ્બ ફેંકીએ તો ભારત 20 ફેંકીને પાકિસ્તાનને ખલાસ કરી નાખે’: મુશર્રફ

દુબઈ – પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી સરમુખત્યાર અને ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફે ભારત સાથે પાકિસ્તાનના અણુયુદ્ધની વાતોને ફગાવી દીધી છે અને કહ્યું છે કે જો પાકિસ્તાન ભારત પર એક અણુબોમ્બ ફેંકે તો ભારત એવા 20 બોમ્બ ફેંકીને આખા પાકિસ્તાનને ખલાસ કરી નાખે.

દુબઈમાં એક પત્રકાર પરિષદમાં પૂછાયેલા સવાલના જવાબમાં મુશર્રફે કહ્યું કે, આ બધું એટલું આસાન નથી. આવી વાતો કરવાની જ ન હોય. દરેક દેશની હંમેશાં કોઈક મિલિટરી વ્યૂહરચના રહેતી હોય છે.

ગઈ 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફનાં 40 જવાનોનો ભોગ લેનાર આતંકવાદી હુમલો પાકિસ્તાનસ્થિત જૈશ-એ-મોહમ્મદ સંગઠને કરાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલી વધી ગઈ છે.

બંને દેશ પાસે અણુબોમ્બ છે એ વાત આખી દુનિયા જાણે છે.

1999થી 2008 સુધી પાકિસ્તાનમાં શાસન કરનાર મુશર્રફે કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે અણુયુદ્ધ થવાની કોઈ શક્યતા નથી.

‘જો પાકિસ્તાન ભારત પર એક અણુબોમ્બ ફેંકે તો ભારત એવા 20 બોમ્બ ફેંકીને પાકિસ્તાનને ખલાસ કરી નાખે. આમાં એકમાત્ર ઉકેલ એ છે કે અમારે 50 બોમ્બ ફેંકીને પહેલો હુમલો કરવો જોઈએ જેથી તેઓ 20 બોમ્બ પણ ફેંકી ન શકે. તો શું તમે 50 બોમ્બ ફેંકવાનો પહેલો હુમલો કરવા તૈયાર છો?’ એવો સામો સવાલ મુશર્રફે પત્રકારને કર્યો હતો.