પાકિસ્તાનની ટીવી ચેનલે કર્યો છબરડો, બિજીંગને લખ્યું ‘બેગિંગ’

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ચીન પ્રવાસ દરમિયાન ચીનની સત્તારૂઠ કમ્યુનિસ્ટ પાર્ટીની સેંટ્રલ પાર્ટી સ્કૂલમાં ઈમરાન ખાન ભાષણ આપી રહ્યાં હતાં. આ ભાષણનું જીવંત પ્રસારણ પાકિસ્તાનની ચેનલ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. એ જ સમયે પાકિસ્તાનની ચેનલે છબરડો કર્યો અને પાકિસ્તાનનું અપમાન કર્યું હતું.પાકિસ્તાન ટેલિવીઝન કોર્પોરેશને (પીટીવી) ઈમરાન ખાનના ભાષણનું જીવંત પ્રસારણ કર્યું હતું. તે દરમિયાન એક ગંભીર ભૂલ કરી હતી. જેને લઈને પાકિસ્તાન મજાકને પાત્ર બન્યું હતું.

આપને જણાવી દઈએ કે, ઈમરાન ખાન ચાર દિવસના ચીન પ્રવાસે છે. ભયંકર આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન માટે આર્થિક પેકેજ લેવાના ઈરાદે તેઓ ચીન યાત્રા પર ગયા છે. પ્રવાસ દરમિયાન ઈમરાન ખાનનું ચીનની સત્તારૂઠ કમ્યુનિસ્ટ પાર્ટીની સેંટ્રલ પાર્ટી સ્કૂલમાં ભાષણ હતું. જેનું પાકિસ્તાનની ટીવી ચેનલ પાકિસ્તાન ટેલિવીઝન કોર્પોરેશન (પીટીવી) જીવંત પ્રસારણ કરી રહી હતી.

પરંતુ લાઈવ ભાષણ દરમિયાન ચેનલમાં ‘બિજીંગ’ને બદલે અંગ્રેજી શબ્દ ‘બેગિંગ’ લખ્યું હતું. બેગિંગનો જેનો અર્થ ભીખ માંગવો થાય છે તેવું લખી નાખ્યું હતું. પીટીવીએ સ્ક્રીન પર ડાબી બાજુએ ઉપરના ખુણામાં ‘બિજીંગ’ને બદલે ‘બેગિંગ’ લખી નાખ્યું હતું. જેના કારણે પાકિસ્તાન દુનિયાભરમાં મજાકને પાત્ર બની ગયું છે.

બેગિંગ શબ્દ લગભગ 20 સેકંડ સુધી સ્ક્રીન પર જોવા મળ્યો હતો. જોકે બાદમાં ભૂલ સમજાઈ જતા પીટીવી ન્યૂઝે તેના સત્તાવાર ટ્વિટર હેંડલ પર ટ્વિટ કર્યું હતું કે, ચીનના પ્રવાસે ગયેલા વડાપ્રધાનના સંબોધનના જીવંત પ્રસારણ દરમિયાન ભૂલ થઈ. આ ભૂલ લગભગ 20 સેકંડ સુધી રહી. ત્યારબાદ તેને સુધારી લેવામાં આવી. ઘટનાને લઈને અમે ખેદ વ્યક્ત કરીએ છીએ. સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ ચૂક એટલા માટે પણ મજાકનું પાત્ર બની કારણ કે, ઈમરાન ખાન આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને બચાવવા માટેના પોતાના પ્રયાસ અંતર્ગત ચીન યાત્રાએ ગયા છે.

આ મામલે પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરીએ પીટીવી દ્વારા કરવામાં આવેલી ભૂલને લઈને થયેલા મજાક અંગે તપાસના આદેશ આપી દીધા છે. પીટીવીની આ ચૂકની સોશિયલ મીડિયા પર પણ ભારે ટીકા થઈ. પાકિસ્તાનમાં ટ્વિટર પર #બેગિંગ સાથે પોસ્ટ કરવામાં આવેલા ટીવી ચેનલના સ્ક્રીનશોટ ટ્રેંડ પર રહ્યાં હતાં.