ન્યૂ યોર્ક: વડાપ્રધાન મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રને સંબોધિત કરશે. ભારતીય સમયનુસાર તેમનું સંબોધન લગભગ રાતે 8 વાગ્યે શરુ થશે. મહત્વની વાત એ છે કે, વડાપ્રધાન મોદીના ભાષણના થોડીક મિનીટો બાદ જ પાક. વડાપ્રધાન ઈમરાન ખાન પણ ભાષણ આપશે. કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદીનું ભાષણ વિશ્વમાં ખાસકરીને દક્ષિણ એશિયામાં શાંતિ અને ક્ષેત્રના વિકાસ પર કેન્દ્રિત હશે, જ્યારે ઈમરાન ખાનનું ભાષણ કશ્મીર મુદ્દા પર ભારત વિરુદ્ધ દુષ્પ્રચારનો જ એક ભાગ હશે.
વડાપ્રધાન મોદી તેમના ભાષણમાં શાંતિ અને વિકાસ પર વધુ ફોક્સ કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત આતંકવાદનો પણ ઉલ્લેખ કરી શકે છે. પીએમ મોદી આ પહેલા પણ આંતરાષ્ટ્રીય મંચો પર અનેક વખત આંતકવાદનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. વડાપ્રધાન મોદી આજના તેમના ભાષણમાં કશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કરે તવી શક્યતા ઓછી છે. કારણ કે, બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ-કશ્મીરને અસ્થાયી રીતે મળેલા વિશેષ દરજ્જાને ખત્મ કરવો ભારતનો આંતરિક મામલો છે, જેમા ભારત પાકિસ્તાન કે અન્ય કોઈ પણ દેશનો હસ્તક્ષેપ સ્વીકાર નથી કરતું.
જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવાયા બાદ બોખલાયેલુ પાકિસ્તાન વિશ્વના આ સૌથી મોટા મંચ પરથી કશ્મીર મુદ્દે ભારત વિરુદ્દ દુષ્પ્રચાર કરે તેવી શક્યતા છે. ઈમરાન ખાન અગાઉ પણ કહી ચૂક્યા છે કે, તે સંયુક્ત રાષ્ટ્રમાં કશ્મીરનો મુદ્દો ઉઠાવશે.
ઉલ્લેખનીય છે કે, યુએનજીએમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ બીજું ભાષણ હશે. આની પહેલાં 2014મા તેમણે અહીં ભાષણ આપ્યું હતું. સંયુકત રાષ્ટ્રમાં ભારત અલગ-અલગ વિષયો પર હંમેશા પોતાનો પક્ષ મૂકતું આવ્યું છે. પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સપ્ટેમ્બર 2016મા સંયુકત રાષ્ટ્ર મહાસભાના 71મા સત્રમાં પાકિસ્તાનને કાશ્મીરના મુદ્દા પર કડક ચેતવણી આપી હતી. તેમના આ ભાષણની ખૂબ ચર્ચા થઇ હતી. વિપક્ષી પાર્ટીના નેતાઓએ પણ સુષ્મા સ્વરાજની પ્રશંસા કરી હતી.