દક્ષિણ એશિયામાં સૌથી ઓછો જીડીપી ધરાવતો દેશ પાકિસ્તાન, ભારતનું છે આ સ્થાન…

નવી દિલ્હીઃ એશિયાઈ વિકાસ બેંક (ADB) એ 25 સપ્ટેમ્બરના રોજ અનુમાન લગાવ્યું કે પાકિસ્તાનનો વિકાસ દર વર્તમાન નાણાકિય વર્ષ 2019-20 માં દક્ષિણ એશિયામાં સૌથી ઓછો 2.8 ટકા જ રહી શકે છે. એડીબીએ પોતાના રિપોર્ટમાં અનુમાન લગાવ્યું છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ગત વર્ષના મુકાબલે ઓછો વિકાસ કરશે અને આનો જીડીપી 2.8 ટકા રહે તેવું અનુમાન છે. દક્ષિણ એશિયાના દરેક દેશનો વિકાસ દર આનાથી વધારે રહે તેવી શક્યતાઓ છે.

બેંકની એશિયન ડેવલપમેન્ટ આઉટલુક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં વર્તમાન નાણાકિય વર્ષમાં વિકાસદરમાં ઘટાડો જોવા મળ્યો છે. નીતિઓને લઈને અનિર્ણય અને નાણાકીય તેમજ બાહ્ય આર્થિક અસંતુલનોના કારણે રોકાણમાં ઘટાડો નોંધાયો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય સંતુલનને યોગ્ય રાખવાના પ્રયત્નોથી ઘરેલૂ માંગ પર અસર પડશે અને માંગ ઘટાડાથી વિનિર્માણ ક્ષેત્રમાં સુસ્તી આવશે. પરંતુ કૃષિના ક્ષેત્રમાં સરકારની પહેલોના કારણે સારી પ્રગતિ થઈ શકે છે.

એડીબીએ કહ્યું કે દક્ષિણ એશિયામાં વર્તમાન નાણાકીય વર્ષમાં પાકિસ્તાન બાદ સૌથી ઓછો GDP અફઘાનિસ્તાનનો (3.4 ટકા) રહી શકે છે. ત્યારબાદ શ્રીલંકા (3.5 ટકા), ભૂટાન (6 ટકા), માલદિવ્સ અને નેપાલ (અનુમાનિત જીડીપી 6.3 ટકા), ભારત (7.2 ટકા), બાંગ્લાદેશ (8 ટકા) નો નંબર આવે છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2019 માં પાકિસ્તાની રુપિયાની કીંમત ડોલરના મુકાબલે 24 ટકા સુધી ઓછો થઈ ગઈ છે. મોંઘવારી પણ ખૂબ વધારે 7.3 ટકા રહી જે વર્ષ 2018માં 3.9 ટકા પર હતી.