વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડને ગઈ કાલે વ્હાઈટ હાઉસ ખાતે બે ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકોને ‘નેશનલ મેડલ ઓફ ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન’ એનાયત કરીને એમનું સમ્માન કર્યું હતું. આ બે ભારતીય-અમેરિકન છે – અશોક ગાડગીલ અને સુબ્ર સુરેશ. ગાડગીલને ‘નેશનલ મેડલ ઓફ ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન’ અને સુબ્ર સુરેશને ‘નેશનલ મેડલ ઓફ સાયન્સ’ એનાયત કરવામાં આવ્યો હતો.
આ એવોર્ડ સમારંભમાં પ્રમુખ બાઈડને અમેરિકાના અગ્રગણ્ય વૈજ્ઞાનિકો, ટેક્નોલોજીસ્ટ અને નવીનતા લાવનાર નાગરિકોનું પણ સમ્માન કર્યું હતું. આ વૈજ્ઞાનિકોએ જીવનરક્ષક તબીબી સારવારો (લાઈફ સાયન્સ)ને સરળ બનાવતી શોધ કરી છે. એને કારણે રોગચાળા સામે લડવામાં મદદ મળી શકશે, અન્ન સુરક્ષા મામલે સુધારા લાવી શકાશે, તેમજ માનવજાતને બીજા અનેક ફાયદા મળશે.