ન્યૂયોર્ક – પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રો સુરક્ષા પરિષદ (UNSC)માં કશ્મીરનો મુદ્દો ફરી ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ચીન સિવાય કોઈ દેશે એને ટેકો ન આપતાં એને નિષ્ફળતા મળી હતી.
આ હરકત બદલ ભારતે પાકિસ્તાનની સખત ઝાટકણી કાઢી છે.
સંયુક્ત રાષ્ટ્રો (UN) સંસ્થા ખાતેના કાયમી ભારતીય પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું કે પાકિસ્તાને આની કરતાં ભારત સાથે સંબંધો સુધારવા માટેનું કામ કરવું જોઈએ.
પાકિસ્તાને સુરક્ષા પરિષદમાં કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે એકમાત્ર ચીને જ એને ટેકો આપ્યો હતો. ચીન આ મામલે કાયમ પાકિસ્તાનની સાથે રહ્યું છે.
પરંતુ, પરિષદના સભ્યોએ પાકિસ્તાનને ચોખ્ખી કહી દીધું કે, ‘કશ્મીરનો મામલો એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે.’
બુધવારે, સિક્યુરિટી કાઉન્સિલ કન્સલ્ટેશન્સ રૂમમાં બંધબારણે યોજાઈ ગયેલી બેઠકમાં ચીને ‘અન્ય બાબતો’ હેઠળ કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
એક ટોચના યુરોપીયન રાજદૂતે કહ્યું હતું કે કશ્મીરનો મામલો ભારત અને પાકિસ્તાને આપસમાં જ ઉકેલવો જોઈએ અને આ એક ઘરેલુ મામલો છે.