રશિયામાં PM મેડવેડેવની સરકારે પ્રમુખ પુતિનને રાજીનામું આપ્યું

મોસ્કો – રશિયાના વડા પ્રધાન દમિત્રી મેડવેડેવે આજે દેશના પ્રમુખ વ્લાદિમીર પુતિનને પોતાનું અને એમની કેબિનેટનું રાજીનામું સુપરત કરી દીધું છે.

સેવા બજાવવા બદલ પુતિને મેડવેડેવનો આભાર માન્યો છે, પરંતુ એવી ટકોર કરી છે કે વડા પ્રધાનની સરકાર એને માટે નક્કી કરવામાં આવેલા તમામ મુદ્દાઓ પર યોગ્ય રીતે કામગીરી બજાવવામાં નિષ્ફળ ગઈ છે.

રશિયન મિડિયામાં અહેવાલો છે કે પુતિન હવે મેડવેડેવને રાષ્ટ્રપતિ માટેની સુરક્ષા પરિષદના નાયબ વડા બનાવશે.

મેડવેડેવ પુતિનના ઘણા જૂના ગાઢ સહયોગી છે. એ 2012ની સાલથી રશિયાના વડા પ્રધાન તરીકે ફરજ બજાવતા આવ્યા છે. 2008-2012ના ચાર વર્ષના સમયગાળામાં એ રશિયાના પ્રમુખપદે હતા.

પુતિને મેડવેડેવની કેબિનેટના સભ્યોને કહ્યું છે કે નવી કેબિનેટની રચના ન થાય ત્યાં સુધી તેઓ કામગીરી બજાવતા રહે.

પુતિને આજે સવારે રાષ્ટ્રને કરેલા વાર્ષિક સંબોધનને પગલે પુતિનનું રાજીનામું આવ્યું છે.

પુતિને પોતાના સંબોધનમાં દેશના બંધારણમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું. તેઓ બંધારણમાં એવો સુધારો લાવવા માગે છે કે જેથી વડા પ્રધાન તથા કેબિનેટના સભ્યોની સત્તામાં વધારો થાય.