ઈસ્લામાબાદ- અમેરિકા દ્વારા પાકિસ્તાનના રાજદ્વારીઓ પર યાત્રા પ્રતિબંધ લગાવાયા બાદ પ્રતિક્રિયાના ભાગરુપે હવે પાકિસ્તાન પણ અમેરિકાના રાજદ્વારીઓ પર આ પ્રકારના પ્રતિબંધ મુકવા વિચાર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા પાકિસ્તાનના રાજદ્વારીઓ પર લગાવવામાં આવેલો યાત્રા પ્રતિબંધ આજથી અમલમાં આવી ગયો છે.પાકિસ્તાની ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ પાકિસ્તાન સરકાર ઈસ્લામાબાદમાં રહેતા અમેરિકન રાજદ્વારીઓ પર પ્રતિબંધ લગાવવા અંગે યોજના બનાવી રહ્યું છે. જોકે અમેરિકન રાજદ્વારીઓને પાકિસ્તાનમાં પહેલેથી જ કેટલાંક વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે.
આપને જણાવી દઈએ કે, ગત મહિને અમેરિકામાં પાકિસ્તાની રાજદ્વારીઓ પર વોશિંગ્ટન સ્થિત દૂતાવાસ અથવા અમેરિકાના અન્ય શહેરોના વાણિજ્ય દૂતાવાસથી 40 કિલોમીટરથી વધુ યાત્રા કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
ન્યૂજર્સીથી અમેરિકન કોંગ્રેસના નેતા ડોનાલ્ડ નોરક્રોસે જણાવ્યું છે કે, ‘મહત્વપૂર્ણ છે કે, બન્ને દેશો વચ્ચે સંવાદોનું આદાન-પ્રદાન થતું રહે, અને આ પ્રકારના પ્રતિબંધો મુકીને આપણે સંવાદને જ સમાપ્ત કરી રહ્યાં છીએ. મારા વિચારમાં આ યોગ્ય નિર્ણય નથી’. અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત એજાઝ ચૌધરીએ પણ ‘વોઈસ ઓફ અમેરિકા’ને જણાવ્યું કે, ‘મારું પણ માનવું છે કે, આ પ્રકારનો નિર્ણય યોગ્ય નથી’.