જનકપુર-અયોધ્યા બસ સેવાનો પ્રારંભ, PM મોદી અને નેપાળના વડાપ્રધાને બતાવી લીલીઝંડી

કાઠમાંડૂ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નેપાળ પ્રવાસના પ્રથમ દિવસે જનકપુર-અયોધ્યા બસ સેવાનો શુભારંભ કરાવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના નેપાળના સમકક્ષ કે.પી. શર્મા ઓલી સાથે મળીને સંયુક્તરુપે જનકપુર-અયોધ્યા બસ સેવાને લીલીઝંડી બતાવી હતી. આ બસ નેપાળના જનકપુર અને ઉત્તરપ્રદેશના અયોધ્યા વચ્ચે ચાલશે. આ બસ સેવાને રામાયણ સર્કિટ પ્રોજેક્ટની મુખ્ય કડી માનવામાં આવે છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે, અયોધ્યામાં કોઈ સત્તાવાર બસ સ્ટેશન છે જ નહીં. વર્ષો પહેલાં અયોધ્યાના બસ સ્ટેન્ડને બિરલા મંદિરની સામેથી હટાવવામાં આવ્યું છે, જેની જગ્યા પર નવો ઘાટ બનાવવામાં આવ્યો છે. વર્ષો વીતી જવા છતાં રામની નગરીને હજી સુધી બસસ્ટેન્ડ મળી શક્યું નથી.

ભગવાન રામની જન્મ નગરી અયોધ્યાને ઉત્તરપ્રદેશની સૌથી મોટી ધર્મનગરી માનવામાં આવે છે. ઉપરાંત દેશભરમાં પણ અયોધ્યાનું આગવું મહત્વ છે. જ્યારે જનકપુર ભગવાન રામના પત્ની દેવી સીતાના જન્મ સ્થળના રુપમાં પ્રસિદ્ધ છે. જાનકી મંદિરનું નિર્માણ વર્ષ 1910માં સીતા સ્મારક સ્મૃતિ તરીકે કરવામાં આવ્યું હતું.અયોધ્યા અને નેપાળની ધાર્મિક નગરી જનકપુર વચ્ચે વાહન વ્યવહાર સુગમ બનાવવા આ બસ સેવા શરુ કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, અયોધ્યામાં જે બસ આવે છે તે સત્તાવાર બસ સ્ટેશન નહીં હોવાને કારણે રસ્તા ઉપર કોઈ પણ સ્થળે ઉભી રાખવાની ફરજ પડે છે. જેથી હવે પ્રશ્ન એ થાય છે કે, જનકપુરથી જે બસ અયોધ્યા આવશે તે ક્યાં ઉભી રહેશે?