અમેરિકા પાકિસ્તાનને ‘બલીનો બકરો’ બનાવી રહ્યું છે: પાક. રક્ષાપ્રધાન

ઈસ્લામાબાદ- પાકિસ્તાને જણાવ્યું છે કે, તે અમેરિકા સાથે કોઈપણ પ્રકારનાં સૈન્ય અને જાસુસી સંબંધો નહીં રાખે. પાકિસ્તાનના અખબાર ‘ધ ડૉન’ના હવાલેથી મળતી માહિતી પ્રમાણે આ નિર્ણય અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એ આરોપ બાદ લેવામાં આવ્યો છે જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે, પાકિસ્તાને અમેરિકાને જુઠ્ઠાણાં અને દગા સિવાય કંઈ જ આપ્યું નથી. ત્યારબાદ ટ્રમ્પ પ્રશાશને પાકિસ્તાનને આપવામાં આવતી સૈન્ય સંબંધી આર્થિક સહાય ઉપર પણ રોક લગાવી છે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં પાકિસ્તાનના રક્ષાપ્રધાન ખુર્રમ દસ્તગીર ખાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં જણાવ્યું કે, અફઘાનિસ્તામમાં અબજો ડોલરનો ખર્ચ કર્યા પછી પણ અમેરિકાએ ત્યાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. અફઘાનિસ્તાનમાં મળેલા પરાજયમાટે અમેરિકા પાકિસ્તાનને જવાબદાર ઠેરવે છે અને અમેરિકા પાકિસ્તાનનો ઉપયોગ ‘બલીના બકરા’ તરીકે કરે છે. જેથી પાકિસ્તાન હવે અમેરિકા સાથે સૈન્ય અને જાસુસી કોઈ જ સંબંધો રાખવા નથી ઈચ્છતું.

ખુર્રમ દસ્તગીરે કહ્યું કે, પાકિસ્તાને અમેરિકા માટે જે કંઈ પણ કર્યું છે તેની કિંમત પાકિસ્તાન અમેરિકા પાસે નથી માગી રહ્યું, પરંતુ પાકિસ્તાનની સ્થિતિ અમેરિકાએ સમજવી જોઈએ. વધુમાં ખુર્રમ દસ્તગીરે અમેરિકા પર શાબ્દિક પ્રહારો કરતાં કહ્યું કે, પાકિસ્તાન તેની જમીનનો ઉપયોગ અફઘાનિસ્તાન વિરુદ્ધ યુદ્ધમાટે અમેરિકાને કરવા દેશે નહીં. અમેરિકા અફઘાન-પાક. બોર્ડરની સુરક્ષા કરવાને બદલે પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યું છે.

આ મામલે જ્યારે પાકિસ્તાન સ્થિત અમેરિકાના દૂતાવાસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, અમને હજીસુધી પાકિસ્તાન તરફથી એવી કોઈ જ સુચના નથી મળી જેમાં સૈન્ય સહયોગ રદ્દ કરવા જણાવાયું હોય. પાકિસ્તાન સ્થિત અમેરિકન દૂતાવાસના પ્રવક્તા રિચર્ડ સ્નેલસરે જણાવ્યું કે, ‘અમને સત્તાવાર રીતે આર્થિક અને સૈન્ય સહયોગ રદ્દ કરવા અંગે પાકિસ્તાન દ્વારા કોઈ સુચના આપવામાં આવી નથી’. બીજીતરફ પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા અસિફે કહ્યું કે, અમેરિકા ઉપરાંત ઈરાન, ચીન અને રશિયા સાથે પણ પાકિસ્તાનના સંબંધો જરુરી છે.