‘અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી મિશન અમેરિકા માટે મોટો પડકાર’

કાબુલ- અફઘાનિસ્તાનમાં આતંકી સંગઠનો વધી રહ્યાં છે. અફઘાનિસ્તાનમાંથી આતંકીઓનો સફાયો કરવા અમેરિકા છેલ્લાં ઘણાં વર્ષોથી અફઘાનિસ્તાનને મદદ કરી કહ્યું છે. જાણકારોનું માનીએ તો, અફઘાનિસ્તાનના મધ્યમવર્ગના લોકો જેહાદી પ્રવૃત્તિમાં જોડાયાં છે અને દેશમાં પૂર્વ વિસ્તારથી લઈને રાજધાની કાબૂલ સુધી આતંકી પ્રવૃતિમાં વધારો કરવામાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટની મદદ કરી રહ્યાં છે.

હાલમાં સ્થિતિ એ સર્જાઈ છે કે, અફઘાનિસ્તાનમાં રાજધાની કાબુલ એ દેશની સૌથી ખતરનાક જગ્યાઓ પૈકી એક બની ગઈ છે. ISના આતંકીઓએ ગત 18 મહિના દરમિયાન કાબુલમાં આશરે 18 જગ્યાઓ પર હુમલાઓ કર્યાનો દાવો કર્યો છે. જેમાં આતંકીઓને સ્થાનિક વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને વ્યવસાયીઓનો પણ સહયોગ હોવાનું જાણવા મળ્યું છે. કાબુલના નાગરિકો અને અફઘાન સેના માટે આ ઘણી ગંભીર બાબત છે, જે પહેલેથી જ તાલિબાનો સામે સંઘર્ષ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આફઘાનિસ્તાનમાં કામ કરી રહેલાં અમેરિકન આતંકવાદ વિરોધી મિશન માટે પણ આ સ્થિતિ પડકારજનક છે. વોશિંગ્ટનમાં વિલ્સન સેન્ટરના વિશ્લેષક માઈકલ કુગલમેને જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં ફેલાયેલો આતંકવાદ એ કોઈ એક સમુહ નથી જે સ્થાનિક લોકોને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ આતંકીઓનો પુરો ગઢ છે, અને આ અંગે મારું માનવું છે કે, આ સ્થિતિ અફઘાનિસ્તાન માટે ઘણી ચિંતાજનક છે.

આપને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનમાં વધી રહેલા આતંકવાદ પર કાબૂ મેળવવા અમેરિકા સતત કાર્યવાહી કરતું રહ્યું છે. જોકે અમેરિકાના પ્રયાસ છતાં અફઘાનિસ્તાનમાં આતંકવાદ સતત વધી રહ્યો છે. ચરમપંથી આતંકી સમુહ, તાલિબાન અને અલકાયદા અને તેના અન્ય સંગઠનો અફઘાનિસ્તાનમાં આતંકવાદને ચરમસીમા પર લઈ ગયા છે.