ટ્રમ્પનો ‘યુ-ટર્ન’: પેરિસ જળવાયુ સંધિમાં પરત ફરી શકે છે અમેરિકા

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષ પેરિસ જળવાયુ સંધિમાંથી અમેરિકાનું નામ પરત લઈને વિશ્વમાં આંચકારુપ નિર્ણય કર્યો હતો. જોકે હવે અમેરિકાએ પેરિસ જળવાયુ સંધિમાં પરત ફરવાના સંકેત આપ્યા છે. ટ્રમ્પે તેના એક ભાષણ દરમિયાન માહિતી આપતા કહ્યું કે, તેનો દેશ પેરિસ જળવાયુ સંધિમાં પરત ફરી શકે છે.

આપને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે જૂન મહિનામાં ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ઉત્સર્જન પર રોક લગાવવા વર્ષ 2015માં બનાવવામાં આવેલી પેરિસ જળવાયુ સંધિમાંથી પોતાને અલગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સંધિમાંથી અલગ થવાની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે, જેથી ટ્રમ્પે જ્યારે અમેરિકાને આ સંધિમાંથી અલગ કરવાની વાત કરી ત્યારે એ સવાલ થયો કે, શું ખરેખર ટ્રમ્પ આ સંધિમાંથી અમેરિકાને અલગ કરશે?

નોર્વેના વડાપ્રધાન એર્ના સોલબર્ગ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરવા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને પર્યાવરણના હિતચિંતક ગણાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, પર્યાવરણની જાળવણી માટે હું ગંભીર છું. અમે સ્વચ્છ હવા અને પાણી ઈચ્છીએ છીએ પણ સાથે જ એવી ટેકનોલોજી પણ ઈચ્છીએ છીએ જે વૈશ્વિક સ્પર્ધામાં અમેરિકાને ટકાવી રાખે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, નોર્વેની સૌથી મોટી સંપત્તિ તેની જળવિદ્યુત ઉર્જા છે. નોર્વેમાં વિજળીનું મોટાભાગનું ઉત્પાદન પાણીમાંથી કરવામાં આવે છે, જ્યારે અમેરિકામાટે જળવિદ્યુત નોર્વે જેટલી શક્ય નથી.

આ કારણોથી પાછળ હટ્યું હતું અમેરિકા

ઉલ્લેખનીય છે કે, અમેરિકાને પેરિસ જળવાયુ સંધિમાંથી અલગ કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ સંધીમાં ભારત અને ચીન માટે કોઈજ કડક નિયમો બનાવવામાં આવ્યા નથી. અને આ બન્ને દેશ પ્રદુષણ રોકવા કોઈ પગલા નથી લઈ રહ્યાં. જેથી આ પ્રકારના ગ્લોબલ વોર્મિંગને રોકવાના વૈશ્વિક પ્રયાસોમાંથી અમેરિકા પોતાને અલગ કરે છે. એ સમયે ભારત સહિત વિશ્વના અનેક દેશોએ અમેરિકાના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.