ઈસ્લામાબાદ- પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સાકિબ નિસારે ત્યાં કરવામાં આવી રહેલાં હિન્દુઓના સંપત્તિ પરના કથિત અતિક્રમણની નોંધ લીધી છે. મહત્વનું છે કે, એક મહિલા પ્રોફેસરએ તેમને વિનંતી કરી હતી કે, પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાય સૌથી ખરાબ અરાજકતા અને ગેરવ્યવસ્થાનો સામનો કરી રહ્યું છે.પોતાની ન્યાયિક કાર્યવાહી માટે ચર્ચિત જસ્ટિસ નિસારે નિવૃત્ત અધ્યાપક ડોક્ટર ભગવાન દેવીનો વિડિયો સંદેશ જોયા બાદ કેન્દ્રીય અને સિંધ પ્રાંતના અધિકારીઓને નોટિસ જારી કરી છે. તેમની ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચીફ જસ્ટિસે ભગવાન દેવીની અરજી પર વિચાર કરવાનું નક્કી કર્યું છે. અને આ મામલે 18 ઓક્ટોબરે સુનાવણી કરવામાં આવશે.
અદાલતે પાકિસ્તાનના એટર્ની જનરલ, સિંધ પ્રાંતના એડવોકેટ જનરલ, ધાર્મિક બાબતો અને ઈન્ટર કોમ્યુનિકેશન મંત્રાલય, માનવાધિકાર સચિવ, સિંધના ચીફ સેક્રેટરી, લઘુમતી બાબતોના વિભાગના સચિવ, સિંધ સરકાર અને લાડકાના જીલ્લાના કમિશનરને નોટિસ જારી કરી હતી.
પાકિસ્તાની મીડિયાએ ભગવાન દેવીના વીડિયોનો હવાલો આપીને જણાવ્યું કે, સિંધ પ્રાંતનો હિન્દુ સમુદાય પાકિસ્તાનમાં બદતર અરાજકતા અને ગેરવ્યવસ્થાનો સામનો કરી રહ્યું છે.
મહિલા પ્રોફેસરે જણાવ્યું કે, ભૂ-માફિયાઓ સિંધ પ્રાંતના વિવિધ વિસ્તારો અને ખાસ કરીને લાડકાના જિલ્લામાં હિન્દુ સમુદાયને તેમની સંપત્તિમાંથી બળજબરીથી બેદખલ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લાડકાના વિસ્તાર ભૂટ્ટો પરિવારનું હોમ ટાઉન છે.