ટ્રમ્પના કથિત અફેર પર મેલાનિયાનો જવાબ, કહ્યું અફવાથી જ અખબાર વેચાય છે

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કથિત અફેર પર ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે પોતાની વાત રજૂ કરી છે. તેમણે કહ્યું કે, તેઓ ટ્રમ્પને પ્રેમ કરે છે અને તેમની પાસે વિચારવા માટે અફવાઓને બદલે બીજી પણ ઘણી બાબતો છે.મેલેનિયા ટ્રમ્પે મીડિયા પર નિશાન સાધતા કહ્યું કે, આવી અફવાઓના કારણે અખબાર અને મેગઝીન વેચાય છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર બે મહિલાઓ શારીરિક સંબંધનો આરોપ લગાવી ચૂકી છે.

મેલાનિયાએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મને ખબર છે કે મીડિયાને અમારા લગ્નજીવન વિશે અફવાઓ ફેલાવવી અને ચર્ચા કરવી પસંદ છે. કારણકે છેવટે તો આ અફવાઓને કારણે જ અખબાર અને મેગઝીન વેચાય છે. પરંતુ આપણે આવી જ દુનિયામાં રહીએ છીએ, તેથી આવા લોકો સામે આવવાના જ છે.

મેલાનિયાએ કહ્યું કે, ટ્રમ્પ પર લાગેલા આરોપોથી તેમને કોઈ જ ફરક નથી પડતો. વધુમાં તેઓએ કહ્યું કે, હું એક માતા છું અને અમેરિકાની પ્રથમ મહિલા પણ છું. જેથી મારું ધ્યાન આવી બધી વાતો પર નથી હોતું. મને ખબર છે કે, વાસ્તવિક્તા શું છે. કઈ વાતો સાચી છે અને કઈ વાત ખોટી છે.