ઈસ્લામાબાદ – પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને બંને દેશને નડતી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મંત્રણા કરવાની તૈયારી બતાવી છે.
જિઓ ટીવીના અહેવાલ મુજબ, ઈમરાન ખાને પત્રમાં મોદીને બીજી વખત વડા પ્રધાન બનવા માટે અભિનંદન આપ્યા છે અને લખ્યું છે કે વિવાદાસ્પદ કશ્મીર પ્રદેશ સહિત બંને દેશને નડતી તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવાની પાકિસ્તાનની ઈચ્છા છે.
ઈમરાને વધુમાં લખ્યું છે કે બંને દેશ વચ્ચે મંત્રણા જ બંને દેશનાં લોકોની ગરીબી દૂર કરવામાં મદદરૂ થઈ શકે એવો એકમાત્ર વિકલ્પ છે. વળી, પ્રાદેશિક વિકાસ માટે સાથે મળીને કામ કરવું એ પણ ખૂબ મહત્ત્વનું છે.
દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે એવી ઈમરાને ઈચ્છા વ્યક્ત કરી છે.
નરેન્દ્ર મોદીએ ગઈ 30 મેએ બીજી વાર વડા પ્રધાન પદ ધારણ કર્યું હતું.
ગયા ગુરુવારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી કિર્ગીસ્તાન જવાના છે અને ત્યાંના પાટનગર બિશ્કેકમાં નિર્ધારિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં ભાગ લેશે, પણ એ દરમિયાન પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન સાથે મોદીની કોઈ વ્યક્તિગત બેઠક થવાની નથી.