ઈસ્લામાબાદ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિદેશ પ્રવાસે લઈ જનાર વિમાનને જવા દેવા માટે પાકિસ્તાનની હવાઈ સીમા ખોલી આપવાની ભારત સરકારે કરેલી વિનંતીને પાકિસ્તાને નકારી કાઢી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આજે અહીં એક નિવેદનમાં આમ જણાવ્યું છે.
નિવેદન અનુસાર, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ કહ્યું કે મોદી સરકારે બંધારણની 370મી કલમ દૂર કરી જમ્મુ અને કશ્મીરને અપાયેલો વિશેષ દરજ્જો રદ કરવાના લીધેલા નિર્ણય સામેના વિરોધમાં પાકિસ્તાન આજે રવિવારે ‘કાળો દિવસ’ મનાવી રહ્યું છે અને એના ટેકામાં મોદી માટે એરસ્પેસ ન ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદી સાઉદી અરેબિયાના પ્રવાસ માટે આવતીકાલે, સોમવારે નવી દિલ્હીથી રવાના થવાના છે અને એ માટે સરકારે મોદીના વિમાનને પાકિસ્તાનના આકાશમાંથી પસાર થવા દેવાની પાકિસ્તાન સરકારને વિનંતી કરી હતી, પણ જમ્મુ-કશ્મીરમાં માનવાધિકાર ભંગ કરવાનો ભારત પર આરોપ મૂકીને પાકિસ્તાન સરકારે તે પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો છે.
કુરેશીએ કહ્યું છે કે પાકિસ્તાનસ્થિત ભારતીય દૂતાવાસને આ નિર્ણયની લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે.
સાઉદી અરેબિયામાં મોદી આંતરરાષ્ટ્રીય બિઝનેસ ફોરમમાં ભાગ લેવાના છે અને સાઉદી અરેબિયાના ટોચના શાસકો સાથે મંત્રણા પણ કરવાના છે.
પાકિસ્તાને આ પહેલાં ગયા સપ્ટેંબરમાં પણ મોદીના વિમાન માટે એરસ્પેસ ખોલી આપવાની ના પાડી હતી. એ વખતે મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. તે ઉપરાંત પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિમાન માટે પણ એરસ્પેસ ખોલવાનો ઈનકાર કર્યો હતો.
ભારતીય હવાઈ દળે ગયા ફેબ્રુઆરીમાં પાકિસ્તાનના બાલાકોટમાં સક્રિય જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અડ્ડાઓનો હવાઈ હુમલાઓ દ્વારા નાશ કર્યો અને અસંખ્ય ત્રાસવાદીઓને ખતમ કર્યા તેના વિરોધમાં પાકિસ્તાને પોતાની હવાઈ સીમા ભારતીય નેતાઓ માટે બંધ કરી હતી. એ પછી 27 માર્ચે, પાકિસ્તાને તેની હવાઈ સીમા નવી દિલ્હી, બેંગકોક અને ક્વાલાલમ્પુરને બાદ કરતાં અન્ય શહેરોમાંથી આવનારી ફ્લાઈટ્સ માટે ખોલી દીધી હતી. તે પછી, 16 જુલાઈએ એણે પોતાની એરસ્પેસ તમામ નાગરિક વિમાનો માટે ખોલી આપી હતી.