દુનિયાના નંબર-1 ત્રાસવાદી અલ-બગદાદીને અમેરિકાએ ખતમ કર્યો

વોશિંગ્ટન – ત્રાસવાદી સંગઠન અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેન પછીનો દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી નેતા અબૂ બકર અલ-બગદાદી પણ માર્યો ગયો છે. આનો શ્રેય પણ અમેરિકાને જાય છે. ગયા શનિવારે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં અમેરિકી સુરક્ષા દળોએ આખી રાત ચલાવેલા ઓપરેશનમાં અલ-બગદાદીને ખતમ કરી દેવામાં આવ્યો હતો.

બગદાદી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) નો વડો હતો. એ 48 વર્ષનો હતો. એણે ધર્મના નામ પર હજારો લોકોની હત્યા કરાવી હતી.

IS સંગઠને ક્રૂરતાભરી સજા દ્વારા પોતાનું શાસન લાગુ કર્યું હતું, જે મધ્ય યુગમાં પ્રવર્તતા ઈસ્લામીક રીત-રિવાજોને આધારિત હતું.

ક્રૂરતાપૂર્વક હત્યાઓ કર્યા બાદ એના વિડિયો ખાનગી રીતે સોશિયલ મિડિયા પર પ્રસારિત કરવા માટે પણ અલ-બગદાદીનું આઈએસ સંગઠન કુખ્યાત થયું છે.

અલ-બગદાદીનો ખાત્મો થયાની જાણકારી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. ગઈ કાલે વ્હાઈટ હાઉસમાંથી ટીવી પ્રસારિત સંબોધનમાં એમણે કહ્યું હતું કે અમેરિકાના વિશેષ દળોના એક ઓપરેશન વખતે બગદાદીએ શરીર પર સુસાઈડ વેસ્ટ પહેરીને પોતાને ફૂંકી માર્યો હતો. અમેરિકાના વિશેષ દળોએ સાહસ બતાવીને એમની આખી રાતના ઓપરેશનને શાનદાર રીતે સફળ બનાવ્યું છે.

ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની સેનાથી ડરીને અલ-બગદાદી એક ડેડ-એન્ડ સુરંગમાં ભાગી ગયો હતો અને ત્યાં જ મૃત્યુ પામ્યો. એ તેના અંતિમ સમયમાં રડતો રહ્યો હતો, ચીસો-બૂમો પાડતો રહ્યો હતો. જે બદમાશ બીજાઓને ડરાવતો અને ધમકાવતો રહ્યો હતો એણે તેની આખરી ક્ષણો સંપૂર્ણપણે ભયમાં વિતાવી હતી.

ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકી દળના હુમલામાં અમેરિકાનો એકેય સૈનિક માર્યો નથી ગયો, પણ બગદાદીના અનેક સાથીઓ પણ એની સાથે માર્યા ગયા છે.

અલ-બગદાદી પોતાને ‘ખલીફા’ ઘોષિત કરવા માટે અને દુનિયાભરમાં ધર્મ તથા પવિત્ર યુદ્ધને નામે રક્તપાત કરાવવા માટે દોષી હતો.

અલ-બગદાદીના આતંકી રૂપને મોટા ભાગના મુસ્લિમ દેશોએ નકારી કાઢ્યો હતો, પણ દુનિયામાં ‘ખલીફા રાજ’ સ્થાપિત કરવા માટેની એની યોજના પ્રત્યે દુનિયાના મુસ્લિમ યુવકો અને મહિલાઓ આકર્ષિત થયા હતા. બગદાદીએ કહ્યું હતું કે પોતે એના રાજમાં શરિયત કાયદો લાગુ કરાવશે. બગદાદી બહુ ઓછા લોકોની સામે પ્રત્યક્ષ રીતે હાજર થતો હતો, પણ અવારનવાર વિડિયો મારફત એ પોતાના નિવેદનો ઈસ્યૂ કરતો હતો.

કોણ હતો બગદાદી

બગદાદીનું આખું નામ હતું ઈબ્રાહિમ અવ્વાદ ઈબ્રાહિમ અલ-બદ્રી. એનો જન્મ ઈરાકના સમારા શહેરમાં 1971માં થયો હતો. એ ઈરાકના લશ્કરમાં જોડાવા માગતો હતો, પણ આંખોની દ્રષ્ટિ નબળી હોવાને કારણે એને સામેલ કરવામાં આવ્યો નહોતો. શરૂઆતમાં એ અલ-કાયદાથી પ્રભાવિત થયો હતો અને બાદમાં ઈરાકમાં તે આ સંગઠનનો વડો બન્યો હતો. સમય જતાં એ અલ-કાયદાથી અલગ થયો હતો અને પોતાના નવા સંગઠન ઈસ્લામીક સ્ટેટ (આઈએસ)ની સ્થાપના કરી હતી. 2014ના જુલાઈમાં એક વિડિયો દ્વારા એ પહેલી વાર દુનિયાની સમક્ષ હાજર થયો હતો. એ વખતે એણે પોતાને દુનિયાના મુસ્લિમોના ધાર્મિક નેતા ‘ખલીફા’ તરીકે ઘોષિત કર્યો હતો.

ઈસ્લામીક સ્ટડીનો માસ્ટર હતો

બગદાદી સુન્ની પરિવારનો હતો જેને સાઉદી અરેબિયા સાથે સંબંધ હતો. એ પોતાને પયગંબર મોહમ્મદના કુરાયશ સમાજનો ઉત્તરાધિકારી ગણાવતો હતો. બાળપણમાં એણે કેટલાક સમય સુધી સ્થાનિક મસ્જિદોમાં રહીને કુરાન અને શરિયતનું શિક્ષણ લીધું હતું. શાળાનું ભણતર પૂરું કર્યા બાદ એ બગદાદ શહેર ગયો હતો. ત્યાં એણે ઈસ્લામીક સ્ટડીઝમાં માસ્ટરની ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ ઈસ્લામિક યુનિવર્સિટી ઓફ બગદાદમાં એ જ વિષયમાં પીએચડી કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]