પાકિસ્તાન પીએમની આશાઓ પાણીમાં, તેલનો ખજાનો મળવાના ચિહ્ન નહીં

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં જે વિશાળકાય તેલના ખજાનાને લઈને આશાઓનો પહાડ ખોદવામાં આવી રહ્યો હતો, તેનાથી કશું મળતુ નજરે નથી આવી રહ્યું. જો કે પાકિસ્તાનના અધિકારી હજીપણ પોતાની જનતા અને દુનિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

પાકિસ્તાનના કરાંચીના સમુદ્રી તટો પર કેકરા-1 ક્ષેત્રમાં ખોદકામ પોતાના અંતિમ ચરણમાં પહોંચી ગયું છે. પાકિસ્તાનને અહીંયા એશિયાના સૌથી મોટા તેલ અને ગેસ ભંડાર મળવાની અપેક્ષા હતી.

યૂએસ તેલ અને ગેસ કુંની એક્સોન મોબિલ સાથે ઈટલીની ઈએનઆઈ, પાકિસ્તાનની તેલ અને ગેસ કંપની મળીને કેકરા-1 બ્લોકમાં મળીને ખોદકામ કરી રહ્યાં છે. પાણીની અંદર કુલ 5660 મીટર ઉંડે સુધી ખોદકામ કરવાનું હતું, અત્યાર સુધી 4810 મીટર સુધી ખોદકામ થઈ ચૂક્યું છે. આ પહેલા અધિકારીઓએ કહ્યું હતું કે અંતિમ ચરણ સુધી પહોંચતાં-પહોંચતાં તેલ અને ગેસ ભંડારના ખજાનાના સંકેત મળવા લાગશે પરંતુ હજી સુધી કંઈ હાથ લાગ્યું નથી.

માર્ચ મહિનામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે દેશ સાથે એક સારા સમાચાર અમે શેર કરીશું. પાકિસ્તાની વડાપ્રધાને પોતાના દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ પ્રાર્થના કરે કે તેલ ભંડારને લઈને રાખવામાં આવેલી તમામ અપેક્ષાઓ સાચી સાબિત થાય. તેમણે કહ્યું હતું, કે જો ખોદકામ કરી રહેલી કંપનીઓ પાસેથી મળી રહેલા સંકેત પર ચાલીએ તો મજબૂત સંભાવના છે કે અમે પોતાના પાણીમાં મોટો તેલનો ભંડાર શોધી લઈશું. જો આમ થાય તો પાકિસ્તાન એક અલગ કતારમાં આવીને ઉભું રહી જશે.