ક્લાઉડ કંપનીમાં ઈન્ટરનેટ આઉટેજઃ અનેક વેબસાઈટ્સ ડાઉન

ન્યૂયોર્કઃ અમેરિકાના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન અને કામકાજના સ્થળ વ્હાઈટ હાઉસની વેબસાઈટ ઉપરાંત બીબીસી, ન્યૂયોર્ક ટાઈમ્સ, ધ ગાર્ડિયન, સીએનએન, ફાઈનાન્સિયલ એક્સપ્રેસ, રેડિટ, એમેઝોન, સ્પોટીફાય, ટ્વિચ, સ્ટેક ઓવરફ્લો, ગીટહબ, હુલૂ, એચબીઓ મેક્સ, ક્વોરા, પેપલ, વિમીઓ, શોપિફાય સહિત દુનિયાભરની 100થી વધારે જાણીતી વેબસાઈટ્સ આજે સવારે મોટા ઈન્ટરનેટ સર્વિસ આઉટેજને કારણે એક કલાક કરતાં વધારે સમય સુધી બંધ થઈ ગઈ હતી. ભારતમાં ઈન્કમ ટેક્સની વેબસાઈટને પણ માઠી અસર પડી હતી.

કહેવાય છે કે અમેરિકાની જાણીતી ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ પ્રોવાઈડર કંપની ફાસ્ટલી, જે સીડીએન (કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક) પ્રોવાઈડર, ડેટા સેન્ટર છે, તેની સ્ટેટસ વેબસાઈટ પર આઉટેજ આવતાં અન્ય વેબસાઈટ્સ પણ બંધ પડી ગઈ હતી. એને કારણે વેબસાઈટ્સના પેજ પર ‘એરર’ લખેલું જોવા મળતું હતું અને કોઈ સામગ્રી એક્સેસ થઈ શકતી નહોતી. ફાસ્ટલી કંપનીએ કહ્યું કે અમે આ ક્ષતિની તપાસ કરી રહ્યા છીએ. તેમજ અમારી સીડીએન સેવાઓ સાથે અમારા પરફોર્મન્સ પર પડેલી અસરની પણ તપાસ કરી રહ્યા છીએ. અખબારી તેમજ અન્ય ક્ષેત્રોની અગ્રગણ્ય વેબસાઈટોને દરેક મિનિટે અપડેટ કરવામાં ફાસ્ટલી મદદરૂપ થાય છે. સીડીએન એવું નેટવર્ક છે જ્યાં ડેટા સેન્ટર્સ અને પ્રોક્સી સર્વર્સ હોય છે.