રિયાધ- સાઉદી અરેબિયામાં હવે સોશિયલ મીડિયા પર ઉપહાસ કરવો અથવા સરકારની આલોચના કરવી લોકોને ભારે પડી શકે છે. સાઉદી અરબમાં ગતરોજ જણાવવામાં આવ્યું કે, ઓનલાઈન વ્યંગ દ્વારા જાહેર હિતોને નુકસાન પહોંચાડનારા લોકોને સજાને પાત્ર ગણવામાં આવશે. જેના માટે આરોપી આર્થિક દંડની સાથે 5 વર્ષ સુધી જેલની સજા પણ કરવામાં આવી શકે છે.મળતી માહિતી મુજબ સાઉદી અરેબિયામાં સોશિયલ મીડિયા પર લખવામાં આવતી એવી કોમેન્ટ જે સાર્વજનિક વ્યવસ્થા અને ધાર્મિક મૂલ્યોનો ઉપહાસ કરશે અથવા તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે તેને સાઈબર ક્રાઈમનો દોષી માનવામાં આવશે. વધુમાં આ પ્રકારના અપરાધ માટે આરોપીને 5 વર્ષની જેલની સજા અને 8 લાખ ડોલરનો આર્થિક દંડ પણ કરવામાં આવશે.
આ પ્રકારના આદેશ બાદ અનેક લોકો તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ખતરો ગણાવી રહ્યાં છે. સાઉદી કિંગ મોહમ્મદ બિન સુલ્તાનને અનેક સમૂહો અને માનવાધિકાર કાર્યકર્તાઓ દ્વારા તેમજ રાજકીય નિર્ણય સાથે સહમત નહીં થનારા લોકોની આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયામાં અનેક લોકોને સોશિયલ મીડિયા પર ખાસ કરીને ટ્વીટર પર કરવામાં આવેલી તેમની પોસ્ટને લઈને સજાનો સામનો કરવો પડ્યો છે.