વોશિગ્ટન: નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે. ત્યારે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ મંગળવારે રાષ્ટ્રપ્રમખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બીડેનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે ત્યારે જો બીડેન સંકટમોચક બની શકે છે. મહત્વનું છે કે, બીડેન ઓબામાના શાસનકાળમાં લાંબા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા.
ઓબામાએ કહ્યુ કે, જો બીડેનની પાસે લાંબો સમયનો અનુભવ છે. તેઓ આ મુશ્કેલ સમયમાં આપણુ માર્ગદર્શન કરી શકે છે. તેઓ દેશ માટે સંકટમોચક બની શકે છે. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે એક રાષ્ટ્રપતિમાં જે ગુણ હોવા જોઇએ એ તમામ ગુણ તેમનામાં છે. ઓબામાએ કહ્યુ કે તેમને ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવા મારા સારા નિર્ણયોમાંનો એક હતો. તે મારા એક નજીકના મિત્ર બની ગયા છે. મારુ માનવું છે કે તેમનામાં એ તમામ ગુણ છે જે આપણા રાષ્ટ્રપતિ માટે જરૂરી છે.
અમેરિકામાં આ વર્ષે નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપ્રમુખપદ માટે ચૂંટણી યોજાવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બનવા માટે ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે પરંતુ અત્યારે વિશ્વમાં કોરોના સંક્રમણનો સૌથી વધારે પ્રકોપ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. આ પહેલાં બર્ની સૅન્ડર્સ રાષ્ટ્રપ્રમુખપદની ઉમેદવારીના દાવેદાર તરીકે રેસમાં સામેલ હતા પરંતુ તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી હતી. એટલે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, બીડેન અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધી ટક્કર થશે.
