ડોનાલ્ડ ટ્રમ્પ ખીજાયાઃ કહયું, નહીં આપીએ WHO ને ફંડ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસ સંકટ પર બેજવાબદાર રીતે કામ કરવાના આરોપ લગાવતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આપવામાં આવતી આર્થિક સહાયતા પર રોક લગાવી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે, જ્યાં સુધી કોરોનાને ફેલાતો રોકવા માટે થઈને ડબલ્યૂએચઓની ભૂમિકાની સમીક્ષા ન થઈ જાય, ત્યાં સુધી આ રોક યથાવત રહેશે. ટ્રમ્પની આ જાહેરાત બાદ વિશ્વમાં કોરોના સામે યુદ્ધમાં મોટો ઝાટકો લાગ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, જ્યાં સુધી કોરોના વાયરસને ફેલાતો રોકવા અને આને પહોંચી વળવા માટે મીસમેનેજમેન્ટ અને આને છુપાવવામાં વૈશ્વિક સંસ્થાની ભૂમિકાનું આંકલન કરવા માટે સમીક્ષા કરવામાં આવી રહી છે ત્યાં સુધી આજે હું મારા તંત્રને ડબલ્યૂએચઓને આપવામાં આવતા ફંડને રોકવાના નિર્દેશ આપું છું. બધા જાણે છે કે ત્યાં શું થયું છે. ટ્રમ્પ તંત્રએ ડબલ્યૂએચઓ પર ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે જેના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થામાં તકલીફો સર્જાઈ છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમેરિકાના કરદાતા ડબલ્યૂએચઓને વાર્ષિક 40 થી 50 કરોડ ડોલર આપે છે જ્યારે ચીન વાર્ષિક 4 કરોડ ડોલર અથવા તેનાથી પણ ઓછી રકમ આપે છે. ટ્રમ્પે કહ્યું કે, કોરોનાના પ્રકોપમાં પોતાનું કર્તવ્ય નિભાવવામાં ડબલ્યૂએચઓ પૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે. તેમણે આરોપ લગાવ્યો કે ચીનમાં જ્યારે આ વાયરસ ફેલાયો તો સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાએ તેને છુપાવવાનો પ્રયત્ન કર્યો અને તેના માટે તેને જવાબદાર ગણવું જોઈએ.