ઈસ્લામાબાદઃ ભારત સાથે સંબંધ સુધારવાની જરૂર પર પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ભાર મૂક્યો છે, પરંતુ સાથોસાથ એવું પણ કહ્યું કે આપણા દેશે ગયા રવિવારે T20 વર્લ્ડ કપ સ્પર્ધાની મેચમાં ભારતને હરાવ્યું છે એટલે એવી વાટાઘાટ કરવા માટે આ સારો સમય નથી.
ઈમરાન ખાન હાલ સાઉદી અરેબિયાની સત્તાવાર મુલાકાતે ગયા છે. પાટનગર રિયાધમાં પાકિસ્તાન-સાઉદી ઈન્વેસ્ટમેન્ટ ફોરમની બેઠકને સંબોધિત કરતાં એમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર એક જ સમસ્યા છે – કશ્મીર સમસ્યા. બંને દેશે સભ્ય પડોશીઓની જેમ આ સમસ્યાને ઉકેલવી જોઈએ એવો આગ્રહ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. ચીન સાથે અમારા બહુ જ સરસ સંબંધો છે, પરંતુ જો ભારત સાથેના સંબંધો કોઈક રીતે સુધારી દઈએ તો સારું કહેવાશે, પણ ગયા રવિવારની ક્રિકેટ મેચમાં પાકિસ્તાન ટીમે ભારતને કારમો પરાજય આપ્યા બાદ મને લાગે છે કે ભારત સાથે સંબંધો સુધારવાની વાટાઘાટ કરવાનો આ એકદમ સારો સમય નથી. આ મુદ્દો માનવ અધિકારો અને કશ્મીરની જનતાના આત્મનિર્ણયના અધિકાર વિશેનો છે, જેની ગેરન્ટી 72 વર્ષ પહેલાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આપી હતી.