વોશિંગ્ટન- પોતાની તાકાતના જોરે અમેરિકા સહિત વિશ્વના દેશો માટે માથાનો દુખાવો પુરવાર થયેલા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને મોટો નિર્ણય કર્યો છે. કિમ જોંગે પોતાના બધા જ પરમાણુ કાર્યક્રમ અને મિસાઇલ પરીક્ષણને રોકવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પરમાણુ પરીક્ષણ સ્થળને બંધ કરવાની પણ જાહેરાત કરી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે, નોર્થ કોરિયા અને વિશ્વ માટે આ ખૂબ સારા સમાચાર છે.ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણના લીધે અમેરિકા સાથે તેના સંબંધો યુદ્ધની સ્થિતિ સુધી વણસી ગયા હતા. એક સમયે બંને દેશ યુદ્ધ કરવા સુધી પહોંચી ગયા હતા. જો કે છેલ્લાં કેટલાંક સમયથી કિમ જોંગ નરમ પડ્યા છે. દક્ષિણ કોરિયા સાથે ચર્ચા ફરીથી શરુ કર્યા બાદ હવે કિમ જોંગ ઉનની અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત ઉપર વિશ્વની નજર છે.
પરમાણુ પરીક્ષણ અને મિસાઈલ કાર્યક્રમ રોકવાની કિમ જોંગ ઉનની જાહેરાત બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કરીને જણાવ્યું કે, નોર્થ કોરિયા અને દુનિયા માટે આ ઘણા સારા સમાચાર છે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, તેઓ કિમ જોંગ સાથેની આગામી બેઠકને લઈને ઉત્સુક છે.