સૈન્ય જરુરિયાત પુરી કરવા અમેરિકા સાથે છેડો ફાડી પાકિસ્તાન ચીનના શરણે

ઈસ્લામાબાદ- અમેરિકા અને ભારતના રાજકીય સંબંધોમાં વધી રહેલી નિકટતા અને પાકિસ્તાન સાથે વધી રહેલા અંતરની વચ્ચે પાકિસ્તાને એક મોટું પગલું ભર્યું છે. પાકિસ્તાને તેની લશ્કરી જરુરિયાતો પુરી કરવા માટે હવે અમેરિકા સાથે છેડો ફાડી અને સંપૂર્ણ રીતે ચીનના શરણે ગયું છે.મળતી માહિતી મુજબ પાકિસ્તાને ચીનના વધુ આધુનિક હથિયારો મેળવવા અમેરિકા સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મુક્યું છે. આ મોટા બદલાવ માટે એફ-16 ફાઈટર જેટની ડીલને જવાબદાર માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના તત્કાલિન ઓબામા વહીવટી તંત્રએ એફ-16 ફાઈટર જેટની ખરીદીમાં પાકિસ્તાનને નાણાંકીય મદદ કરવાનો ઈનકાર કર્યો હતો. આપને જણાવી દઈએ એફ-16 ફાઈટર જેટની ખરીદીને લઈને અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે 70 કરોડ ડોલરની ડીલ થઈ હતી. જેમાંથી આશરે 43 કરોડ ડોલર અમેરિકા ચિકવવા તૈયાર થયું હતું. જોકે અમેરિકન કોંગ્રેસે બાદમાં આ માટે રોક લગાવી હતી.

અમેરિકા સાથે એફ-16 ફાઈટર જેટની ડીલ રદ થયા બાદ પાકિસ્તાને જેએફ-17 ફાઈટર જેટ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ ફાઈટર જેટનું નિર્માણ પાકિસ્તાન ચીન સાથે મળીને કરી રહ્યું છે. ક્ષમતાના મામલામાં જેએફ-17 ફાઈટર જેટ અમેરિકાના એફ-16 ફાઈટર વિમાન કરતાં પણ ચડિયાતું સાબિત થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

અમેરિકા દ્વારા પાકિસ્તાનને એફ-16 ફાઈટર જેટની ખરીદીમાં મદદ કરવાની મનાઈને કારણે પાકિસ્તાન તેની સૈન્ય જરુરિયાત પુરી કરવા હવે સંપૂર્ણપણે ચીન તરફી વલણ ધરાવતું થયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]