વોશિંગ્ટન- અમેરિકા, જાપાન સહિત સંયુક્ત રાષ્ટ્રની ચેતવણીની સતત અવગણના કરીને મિલાઈલ પરીક્ષણ કરનારા ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને દુનિયાના અશ્ચર્ય વચ્ચે પોતાના પ્રથમ વિદેશ પ્રવાસમાં ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ અને જિનપિંગની મુલાકાતને આવકારદાયક પગલું ગણાવ્યું છે. તો જાપાનના વડાપ્રધાને બન્ને નેતાઓની મુલાકાતને લઈને ચીન પાસે સ્પષ્ટીકરણ માગ્યુ છે.વર્ષ 2011માં ઉત્તર કોરિયાનું સુકાન સંભાળનારા કિમ જોંગનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. તેમનો આ પ્રવાસ દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જાએ-ઈન અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતના ઠીક પહેલા યોજાયો છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર અને દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ વચ્ચે મે મહિનામાં મુલાકાત યોજાશે. ત્યારબાદ કિમ જોંગની મુલાકાત અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે પણ યોજાશે.
ચીને અમેરિકાને ઉત્તર કોરિયાના નેતા સાથે થયેલી મુલાકાત અંગે માહિતી આપી હતી. આ અંગે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું કે, કિમ જોંગ મારી સાથે મુલાકાત કરવા ઘણા આતુર છે. જોકે એ દુર્ભાગ્યની વાત છે કે, હાલમાં ઉત્તર કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ ચાલુ રાખવામાં આવશે. ચીનના પ્રવાસ દરમિયાન કિમ જોંગે જિનપિંગ ઉપરાંત ત્યાંના અન્ય તેનો સાથે પણ મુલાકાત કરી હતી.
માનવામાં આવી રહ્યું છે કે, દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ અને અમેરિકાના પ્રેસિડેન્ટની મુલાકાત પહેલાં પોતાના પક્ષમાં સમર્થન મેળવવા કિમ જોંગ ચીન ગયા હતા. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં ચીન એકમાત્ર દેશ છે જે ઉત્તર કોરિયાનો સૈન્ય ભાગીદાર છે. ઉપરાંત ચીન અને ઉત્તર કોરિયાના વ્યાવસ્યિક સંબંધો પણ સારા છે. બીજી તરફ જાપાનના વડાપ્રધાને કિમ જોંગ અને જિનપિંગની મુલાકાત અંગે સ્પષ્ટતા માગી છે.