વોશિંગ્ટન- ઉત્તર કોરિયાની ચીન સાથેની મિત્રતા અમેરિકાને પસંદ નથી આવી રહી. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની ચીનની યાત્રા બાદ હવે અમેરિકા ઉત્તર કોરિયાને સબક શિખવાડવા ‘ઓપરેશન ફર્સ્ટ એપ્રિલની’ તૈયારીમાં લાગી ગયું છે.મળતી માહિતી મુજબ એક એપ્રિલના રોજ અમેરિકા ઉત્તર કોરિયાના પાડોશી દેશ દક્ષિણ કોરિયા સાથે અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય અભ્યાસ શરુ કરશે. આ મિલિટ્રી ડ્રિલમાં બન્ને દેશોના આશરે ત્રણ લાખ સૈનિકો ભાગ લેશે. હવે પ્રશ્ન એ થાય છે કે, શું આ ફક્ત યુદ્ધાભ્યાસ છે કે પછી યુદ્ધની તૈયારી?
ઉત્તર કોરિયા અને ચીનની મિત્રતા દુનિયાએ તો જોઈ લીધી. બન્ને દેશોની નિકટતા પણ વિશ્વ સામે આવી ગઈ છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગે અમેરિકાની મુલાકાત પહેલા ચીન પહોંચીને દુનિયાને આશ્ચર્યમાં મુકી દીધી છે. અને ઈશારામાં એ પણ જણાવી દીધું છે કે, ઉત્તર કરિયા માટે ચીન શું મહત્વ ધરાવે છે. આ મુલાકાતથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું હોય તે સ્વાભાવિક છે.
વાત મિત્રતાની, તૈયારી યુદ્ધની
જોકે હવે વારો અમેરિકાનો છે. પોતાના મિત્ર દેશ દક્ષિણ કોરિયા સાથે મળીને અમેરિકા એક એપ્રિલથી અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્યઅભ્યાસ શરુ કરશે. જાણકારોનું માનીએ તો યુદ્ધાભ્યાસના બહાને ઉત્તર કોરિયાને અમેરિકા પોતાની સૈન્ય શક્તિનો પરિચય કરવવા ઈચ્છે છે.