ઉત્તર કોરિયાની મદદ કરનારી શિપિંગ કંપનીને સંયુક્ત રાષ્ટ્રએ ‘બ્લેકલિસ્ટ’ કરી

પ્યોંગયાંગ- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 27 જહાજ, 21 શિપિંગ કંપનીઓ અને એક વ્યક્તિને બ્લેકલિસ્ટ કર્યો છે કારણકે, તેમણે ઉત્તર કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોની અવગણના કરીને તેની મદદ કરી હતી અને તેની સાથે કારોબાર કર્યો હતો. ઉપરાંત આ કારોબારીઓએ ઉત્તર કોરિયાને તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોથી બચાવવા પણ પ્રયાસ કર્યો હતો.આપને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2018માં અમેરિકાએ ઉત્તર કરિયા સાથે વેપાર કરનારા કારોબારીઓ પર પ્રતિબંધ મુકવા સંયુક્ત રાષ્ટ્રને ભલામણ કરી હતી. સાથે જ ઈંધણ અને કોલસા જેવા માલની તસ્કરી અંગે પણ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી હતી. જે અંગે સંયુક્ત રાષ્ટ્રએ માગણી સ્વીકારતા ઉત્તર કોરિયા સાથે કારોબાર કરનારા વેપારી, શિપિંગ કંપની અને જહજોને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

મહત્વનું છે કે, સંયુક્ત રાષ્ટ્રએ અત્યારસુધીમાં ઉત્તર કોરિયા પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. તેમ છતાં ઉત્તર કોરિયા તેની હરકતો નથી સુધારી રહ્યું. એક અંગ્રેજી ન્યૂઝ ચેનલના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગતરોજ જારી કરવામાં આવેલા નવા પ્રતિબંધો દ્વારા સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયાની શિપિંગ કંપનીઓને નિર્દેશ આપ્યો, ઉપરાંત ચીનની કંપનીઓને પણ એલર્ટ કરવામાં આવી છે, જે ઉત્તર કોરિયા સાથે વેપાર કરી રહી છે.

જે કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે તેમાંથી 16 કંપનીઓ ઉત્તર કોરિયામાં આવેલી છે. જ્યારે 5 હોંગકોન્ગમાં, 2 કંપની ચીનમાં, 2 કંપની તાઈવાનમાં, અને 1-1 કંપની પનામા અને સિંગાપુરમાં આવેલી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભરાતીય મૂળના રાજદૂત નિકી હેલીએ જણાવ્યું કે, વર્તમાન પગલાથી સ્પષ્ટ સંદેશ જઈ રહ્યો છે કે, ઉત્તર કોરિયા પર દબાણ વધારવા સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય એકજૂટ છે.