ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના કેરટેકર વડા પ્રધાન અનવર ઉલ હક કાકડે કહ્યું હતું કે તેઓ ભારત સાથે વેપારી સંબંધોને સુધારવા ઇચ્છે છે, પણ એના માટે બંને દેશોએ કાશ્મીર મુદ્દે શાંતિપૂર્વક ઉકેલ લાવવો જરૂરી છે. જો ભારત લાંબા સમયથી ચાલતા કાશ્મીર મુદ્દે આગળ વધશે તો પાકિસ્તાન એનો હકારાત્મક પ્રતિસાદ આપશે.
ભારત સરકારે કાશ્મીરમાંથી અર્ધ સ્વાયત્તતા ખતમ કરી ત્યારથી પ્રતિદ્વંદ્વી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ઓગસ્ટ, 2019થી ઠંડા પડ્યા છે. બંને પડોશી દેશો વચ્ચે કાશ્મીર મુદ્દે બેથી ત્રણ યુદ્ધો થઈ ચૂક્યાં છે. હાલની પરિસ્થિતિમાં જ્યાં સુધી કાશ્મીર મુદ્દે મંત્રણા ના થાય ત્યાં સુધી ઇસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચે વેપારી સંબંધો સંભવ નથી.
તેમણે કહ્યું હતું કે કાશ્મીર બંને દેશો વચ્ચે સંવેદનશીલ મુદ્દો છે, પણ એનો અર્થ એ નથી કે અમારે દરેક વખતે એ મુદ્દે લડતા રહેવું જોઈએ. અમે યુદ્ધ નથી ઇચ્છતા, પણ અમે શાંતિપૂર્વક ઇચ્છીએ છીએ આ મુદ્દાનો ઉકેલ આવે. જો શાંતિ સ્થાપિત નહીં થાય તો એ ભારત, પાકિસ્તાન અને વિશ્વ માટે ચિંતાનો વિષય હશે.
તેમણે કહ્યું હતું કે જો ભારત કાશ્મીર પર લોકતાંત્રિક રીતે કામ કરશે તો પાકિસ્તાન એમાં એક ભાગીદારની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન વ્યૂહાત્મક ભાગીદાર બનવાની સંભાવના નવી દિલ્હી માટે મુશ્કેલીઓ પેદા કરશે. જોકે આ નિર્ણય ભારતીય રાજકારણ, ભારતીય નાગરિક દ્વારા કરવામાં આવવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.