ધુળેટીના રંગમાં રંગાયા ન્યુ ઝીલેન્ડના PM ક્રિસ્ટોફર લક્સન

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વમાં હોળીના તહેવારની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. વિશ્વના અલગ-અલગ દેશોમાંથી રંગબેરંગી દ્રશ્યો અને વિડિયો દરેક જગ્યાએથી સામે આવ્યા છે. ન્યુ ઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન પણ આ રંગોત્સવના આનંદમાં જોડાયા હતા. ન્યુ ઝીલેન્ડના ઇસ્કોન મંદિરમાં 13 માર્ચે યોજાયેલા રંગોના તહેવારમાં તેમણે ભાગ લીધો, જેનો એક વીડિયો વાયરલ થયો છે.

આ વિડિયોમાં તેઓ દેશી શૈલીમાં મોટી ભીડ સાથે હોળી રમતા જોવા મળે છે. ગળામાં ફૂલોની માળા અને ખભે “હેપ્પી હોળી” લખેલો ટુવાલ પહેરીને તેઓ લોકો પર રંગો ફેંકતા નજરે પડ્યા, જ્યારે પાછળથી શંખનાદનો મધુર અવાજ ગૂંજતો સંભળાયો.

ભારતથી 8000 કિલોમીટરથી વધુ દૂર ન્યુઝીલેન્ડમાં ગુરુવારે હોળીનો માહોલ જામ્યો હતો. ઇસ્કોન મંદિરમાં આયોજિત આ કાર્યક્રમમાં સેંકડો લોકો એકઠા થયા હતા, અને વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન પણ આ ઉજવણીનો હિસ્સો બન્યા હતા. ઇસ્કોન મેનેજમેન્ટે તેમને ખાસ આમંત્રણ આપ્યું હતું, જેને તેમણે આનંદથી સ્વીકાર્યું. હાથમાં રંગોથી ભરેલી ટાંકી લઈને તેઓ મંચ પર ઊભા રહ્યા અને “થ્રી… ટૂ… વન”ના નારા સાથે લોકો પર રંગો છાંટવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન લોકો ખુશીથી નાચતા અને ઉત્સાહથી ઝૂમતા જોવા મળી. લક્સન રંગોમાં એટલા રંગાયેલા હતા કે તેમને ન્યુ ઝીલેન્ડના વડા પ્રધાન તરીકે ઓળખવું મુશ્કેલ લાગતું હતું.

ઇસ્કોન સંસ્થા વિશ્વભરના પોતાના મંદિરોમાં રંગોત્સવનું આયોજન કરે છે, જેમાં હજારો લોકો ભાગ લે છે. ભારતના વૃંદાવનમાં હોળી જોવા માટે તો વિદેશથી પણ ભક્તો ઊમટી પડે છે. ન્યુ ઝીલેન્ડના આ કાર્યક્રમમાં રંગો અને ગુલાલની વચ્ચે લોકોનો ઉત્સાહ જોવાલાયક હતો, જે દર્શાવે છે કે હોળી એકતા અને આનંદનું પ્રતીક બની ગઈ છે.