ન્યૂયોર્ક સિટીઃ આ શહેરના મેયર એરિક એડમ્સે જાહેરાત કરી છે કે 2023ની સાલથી દિવાળી તહેવારના દિવસે શહેરની તમામ શાળાઓમાં રજા રહેશે. દિવાળી તહેવારને માન્યતા આપવાનો એક વિધેયક ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બ્લીનાં સભ્ય જેનિફર રાજકુમારે રજૂ કર્યો હતો. તેને મેયર એડમ્સ અને ન્યૂયોર્ક સિટી સ્કૂલ્સના ચાન્સેલર ડેવિડ બેન્ક્સએ ટેકો આપ્યો હતો.
જેનિફર રાજકુમાર સિવિલ રાઈટ્સનાં લૉયર અને ન્યૂયોર્ક રાજ્ય માટે ઈમિગ્રેશન વિભાગનાં ભૂતપૂર્વ ડાયરેક્ટર છે. એમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સ્કૂલ કેલેન્ડરમાં દિવાળીની રજાની ખાસ ગોઠવણ કરવામાં આવી છે. સત્તાવાળાઓએ 1990ના દાયકાથી ન્યૂયોર્ક સિટીની પબ્લિક શાળાઓમાં આપવામાં આવતી ‘એનિવર્સરી ડે’ (બ્રુકલીન-ક્વીન્સ ડે)ની જગ્યાએ દિવાળીની રજાની વ્યવસ્થા કરી છે. ન્યૂયોર્કમાં બે લાખથી વધારે હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ ધર્મનાં લોકો રહે છે, જેઓ સાથે મળીને રોશનીના તહેવાર દિવાળીની ઉજવણી કરે છે.
મેયર એરિક એડમ્સે કહ્યું કે, દિવાળી વિશે જાણવા બાળકોને પ્રેરિત કરવા માટે આપણે શાળાઓમાં જાહેર રજા આપવાની જરૂર છે. દિવાળીના તહેવારને માન્યતા આપીને આપણે અંતરના પ્રકાશનો સ્વીકાર કરીએ છીએ, જે સ્પષ્ટપણે અંધકારને દૂર કરી શકે છે.