વોશિંગ્ટન- આતંકવાદને પ્રોત્સાહન આપનારા પાકિસ્તાન પર અમેરિકાએ વધુ એકવાર ફટકાર લગાવી છે. અમેરિકાએ કહ્યું કે, આતંકવાદને પ્રોત્સાહન આપનારો અને આતંકવાદનું સમર્થન કરનારો કોઈ પણ દેશ અમેરિકાનો મિત્ર હોઈ શકે નહીં.મહત્વનું છે કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આપવામાં આવતી સુરક્ષા સહાયતા પર ગત મહિને રોક લગાવી દીધી છે. જે અંગે વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, અમેરિકા પાસેથી મદદ મેળવનારા દેશ આતંકવાદને સમર્થન કરીને અથવા તેને પ્રોત્સાહન આપીને અમેરિકાના મિત્ર બની શકે નહીં. જાણકારોનું માનીએ તો, અમેરિકા તરફથી આ પ્રકારના કડક સંદેશાની બહુ પહેલેથી જ અપેક્ષા રાખવામાં આવી હતી.
ગત રોજ અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પના પ્રથમ સ્ટેટ ઓફ ધી યૂનિયન સંબોધન બાદ વ્હાઈટ હાઈસે જણાવ્યું હતું કે, ‘અમેરિકાએ પાકિસ્તાનની સુરક્ષા સહાયતા અટકાવીને સહાયતા મેળવતા અન્ય દેશોને પણ સંદેશો આપ્યો છે કે, તેઓ અમેરિકા પાસેથી મદદ મેળવીને આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકાનો પુરો સહયોગ કરશે’.
જોકે પાકિસ્તાન પોતે આતંકવાદને સમર્થન કરી રહ્યું છે તેવા અમેરિકાના આરોપને હંમેશા નકારતું રહ્યું છે. વ્હાઈટ હાઉસે જણાવ્યું કે, અમેરિકા સામે જે સુરક્ષા પડકારો છે તે અંગે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ધ્યાન આપી રહ્યાં છે. ઉપરાંત કટ્ટરપંથી ઈસ્લામી આતંકવાદ અને તેની વિચારધારા સાથે મુકાબલો કરવા અને તેને પરાજીત કરવાની વાતને અમેરિકા પ્રાથમિકતા આપી રહ્યું છે.