બ્રિટનના નવા નાણાપ્રધાન પદે નાદિમ ઝાહાવીની નિમણૂક

લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને ઋષિ સુનકની જગ્યાએ નાદિમ ઝાહાવીને નાણાપ્રધાન નિયુક્ત કર્યા છે. તેમણે પહેલાં જોન્સનના નેતૃત્વના વિરોધમાં પદ છોડી દીધું હતું. 55 વર્ષીય જાહાવીને એક એવું અર્થતંત્ર વિરાસતમાં મળ્યું છે, જે તીવ્ર મંદીમાં ધકેલાઈ જશે અથવા મંદીની તરફ જઈ રહ્યું છે. જાહાવી પહેલાં શિક્ષણ સચિવ હતા. તેમને 2020માં કોવિડ19 રસીકરણના પ્રભારી પ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2021માં બોરિસ જોન્સને શિક્ષણ નીતિ ચલાવવા માટે તેમને કેબિનેટમાં પ્રમોશન આપ્યું હતું. મિશેન ડોનેલનને શિક્ષણ રાજ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

(નાણાપ્રધાન નાદિમ ઝાહાવી)

બહુચર્ચિત પાર્ટીગેટ કૌભાંડ પછી પોતાના રાજકીય અસ્તિત્વની લડાઈ લડી રહેલા બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનને ગઈ કાલે આંચકો લાગ્યો હતો, જ્યારે તેમના બે વરિષ્ઠ પ્રધાનો ઋષિ સુનક ને સાજિદ જાવેદે રાજીનામાં આપ્યાં હતાં. ભારતીય મૂળના સુનક નાણાપ્રધાન અને પાકિસ્તાની મૂળના જાવેદ આરોગ્યપ્રધાન હતા. સુનક અને જાવેદે ઇન્ટરનેટ મિડિયા દ્વારા રાજીનામાંની જાહેરાત કરી હતી.  

સુનકે UKના વડા પ્રધાનને લખેલા પત્રમાં કહ્યું હતું કે તેમને સરકાર છોડવાનું દુઃખ છે. તેમણે કહ્યું હતું કે જનતા આશા કરી રહી છે કે સરકાર યોગ્ય રીતે સક્ષમ અને ગંભીરતાથી કામગીરી કરે. હું માનું છું કે આ મારું છેલ્લું પ્રધાનપદાની નોકરી હોઈ શકે, પણ મારું માનવું છે કે આ સ્ટેન્ડર્ડ લડવાને લાયક છે અને એટલે હું મારું રાજીનામું આપી રહ્યો છું.

આ રાજીનામાની અસર બ્રિટિશ કરન્સી પર પડી છે અને ડોલરની તુલનાએ પાઉન્ડ સ્ટર્લિંગ બે વર્ષના તળિયે પહોંચ્યો છે.