WHOએ મંકીપોક્સને વૈશ્વિક આરોગ્ય સંકટ ઘોષિત કર્યું

લંડનઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સંસ્થાએ મંકીપોક્સ રોગચાળાને જાગતિક આરોગ્ય સંકટ તરીકે ઘોષિત કર્યું છે. આ રોગચાળો દુનિયાના 70 જેટલા દેશોમાં ફેલાઈ ગયો છે.

સ્વતંત્ર્ય આરોગ્ય સલાહકારોની સમિતિની એક બેઠક ગયા ગુરુવારે મળી હતી. એમાં મંકીપોક્સ રોગચાળાને વૈશ્વિક આરોગ્ય સંકટ તરીકે ઘોષિત કરવો કે નહીં એ વિશે મતમતાંતર પ્રવર્તતા હતા. પરંતુ WHOના વડા ડો. ટેડ્રોસ એધનમ ગેબ્રિયસુસે મડાગાંઠ ઉકેલી દીધી હતી. એમણે મંકીપોક્સને જાગતિક આરોગ્ય સંકટ તરીકે ઘોષિત કરી દીધું હતું. WHOના ડાયરેક્ટર જનરલે એમના સલાહકારોને બાજુએ રાખીને કોઈ જાહેર આરોગ્ય સંકટની ઘોષણા કરી હોય એવું આ પહેલી જ વાર બન્યું છે.