બીજિંગ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રાસવાદના દૂષણની સામે લડવા માટે પ્રાદેશિક સમૂહની રચના કરવાની આજે અપીલ કરી હતી અને સાથોસાથ અફઘાનિસ્તાનમાં અશાંતિ ઊભી કરવાના પ્રયાસોની ઝાટકણી કાઢી હતી. અફઘાનિસ્તાને પોતાને ત્યાં અશાંતિ ઊભી કરવાનો પડોશી પાકિસ્તાન પર આરોપ મૂક્યો છે.
ચીનના ચિંગદાઓ શહેરમાં યોજાયેલા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં બોલતાં મોદીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં વધારે કથળી રહેલી પરિસ્થિતિ એ ત્રાસવાદનું કમનસીબ ઉદાહરણ છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને અફઘાનિસ્તાન, બંને દેશે પોતપોતાને ત્યાં ત્રાસવાદી હુમલાનું ષડયંત્ર ઘડવાનો પાકિસ્તાન પર આરોપ મૂક્યો છે.
મોદીએ કહ્યું કે અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગનીએ એમના દેશમાં શાંતિ માટે લીધેલા હિંમતભર્યા પગલાંને માટે આ વિસ્તારના તમામ દેશોએ એમનો આદર કરવો જોઈએ. અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વ અને સલામતી પર જોખમનું પુનરાવર્તન ન થાય એ જોવાની આપણી સમાન જવાબદારી છે.
આ શિખર સંમેલનમાં પાકિસ્તાનના પ્રમુખ મમ્નૂન હુસૈન પણ ઉપસ્થિત રહ્યા હતા.
એસસીઓ સમૂહના 8 સભ્ય દેશો છે – ચીન, રશિયા, ભારત, કઝાખસ્તાન, કિર્ગીસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને પાકિસ્તાન. જ્યારે અફઘાનિસ્તાન, બેલારુસ, ઈરાન, મોંગોલિયા ઓબ્ઝરવર રાષ્ટ્રો તરીકે છે.