ટ્રમ્પે મોદીને ‘ફાધર ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખાવ્યા

ન્યૂયોર્ક – વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે ફરી વાર મુલાકાત થઈ. બંને નેતાએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી અને પત્રકારોએ વિવિધ વિષયો પર પૂછેલા સવાલોના જવાબ આપ્યા હતા.

ટ્રમ્પે મોદીને ‘ફાધર ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખાવ્યા. કહ્યું, ‘ભારતનાં લોકો મારી જમણી બાજુએ બેઠા છે એમને બહુ જ પ્રેમ કરે છે. લોકો ઘેલાં થઈ ગયા છે. એ એલ્વિસ (પ્રેસ્લી)ની અમેરિકન આવૃત્તિ જેવા છે.’

ટ્રમ્પે એમ પણ કહ્યું કે, મોદી ઈસ્લામિક આતંકવાદની સમસ્યાનો સામનો કરવામાં સક્ષમ છે એવું મારું માનવું છે.

ટ્રમ્પે કહ્યું કે બંને સજ્જન (નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન) મીટિંગ કરશે અને કોઈક ઉકેલ શોધી કાઢશે. બંને જણ મળશે તો ચોક્કસ કંઈક સારું પરિણામ આવશે.

ટ્રમ્પે પત્રકાર પરિષદમાં મોદીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને એમને ફાધર ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાવ્યા હતા. એમણે કહ્યું કે મોદી સત્તા પર આવ્યા એ પહેલાં ભારત દેશ વેરવિખેર હાલતમાં હતો. જ્યાં ત્યાં અંદરોઅંદર લડાઈઓ ચાલતી હતી. એક પિતાની જેમ એમણે ભારતને સંગઠિત કર્યો છે. ભારતનાં લોકોનાં દિલમાં મોદી માટે બહુ જ માન છે. લોકો એમને ખૂબ પસંદ કરે છે.

ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા વધુમાં કહ્યું કે હું મોદીની સરખામણી અમેરિકન રોકસ્ટાર પ્રેસ્લી સાથે કરું છું. એવું લાગે છે કે જાણે એલ્વિસ પાછા આવી ગયા છે.

ટ્રમ્પે તે છતાં પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત સવાલનો જવાબ આપવાનું ટાળી દીધું હતું. જ્યારે એક ભારતીય પત્રકારે પૂછ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના એ નિવેદન વિશે તમારી શું પ્રતિક્રિયા છે જેમાં ખાને એમ કહ્યું હતું કે આઈએસઆઈ સંગઠને અલકાયદાને તાલીમ આપી હતી? ત્યારે ટ્રમ્પે કહ્યું કે મેં એ નિવેદન સાંભળ્યું નથી. અને મને ખબર છે કે તમારા વડા પ્રધાન એને સંભાળી લેશે. બંને નેતા (મોદી અને ઈમરાન) સાથે મળીને કશ્મીર સમસ્યાનો ઉકેલ લાવશે તો બહુ સારું થશે. આપણે સૌ એ હકીકત બનતી જોવા ઈચ્છીએ છીએ.

પત્રકાર પરિષદમાં, મોદીએ હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં હાજર રહેવા બદલ યુએસ પ્રમુખનો આભાર માન્યો હતો. એમણે કહ્યું કે, હું ટ્રમ્પનો આભારી છું કે તેઓ હ્યુસ્ટન આવ્યા હતા. એ મારા તો મિત્ર છે જ, પણ ભારતના પણ સારા મિત્ર છે.

ટ્રમ્પે એવી ખાતરી પણ આપી હતી કે ભારત અને અમેરિકા ટૂંક સમયમાં જ એક વ્યાપાર કરાર કરશે. એમણે જોકે એ વિશે વધુ વિગત આપવાનો ઈનકાર કર્યો હતો.