વિદેશ પ્રધાન બનેલા એસ જયશંકર સામે હશે આ મોટા પડકારો…

નવી દિલ્હીઃ સુબ્રમણ્યમ જયશંકરને દેશના નવા વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા છે. તેમની સામેના પડકારો અમેરિકા અને ઈરાન સાથે સંબંધો સંતુલિત કરવા અને ભારતના પાડોશી દેશોમાં ચીનના વધતા પ્રભાવને પહોંચી વળવાના હશે.

જાન્યુઆરી 2015 થી લઈને જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ રહેતા તેમણે વડાપ્રધાન મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમની વિદેશ નીતિને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી, જેને લઈને પ્રમુખ દેશો અને એમાં પણ ખાસ અમેરિકા અને અરબ દેશો સાથે ભારતના સંબંધોને મહત્વપૂર્ણ વિકાસ વિસ્તાર મળ્યો.

વિદેશ સચિવ બનતા પહેલા તેઓ 2013થી અમેરિકામાં ભારતના રાજદૂત રહ્યા. આ દરમિયાન તેમણે અમેરિકી પ્રશાસન અને મોદી સરકારને નજીક લાવવામાં મોટી ભૂમિકા નિભાવી. એવું માનવામાં આવે છે કે તેમના આ કામથી વડાપ્રધાન મોદી પ્રભાવિત થયા. હવે વિદેશ પ્રધાન તરીકે તેમની સામે ઘણા પડકારો હશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારત જી-20, એસસીઓ, બ્રિક્સ, ઈન્ડો-આસિયાન, ભારત-આફ્રિકા મંચ જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર નેતૃત્વકારી ભૂમિકા નિભાવવા ઈચ્છે છે. આના માટે નવા વિદેશ પ્રધાને ખૂબ મહેનત કરવી પડશે અને તમામ સંગઠનોમાં ભારતના હિતોની રક્ષા કરવી તે પ્રમુખ પડકાર હશે. ખુદ વડાપ્રધાન મોદી વિભિન્ન દેશો સાથે સંબંધો બનાવવામાં ખૂબ સક્રિય રહે છે.

પાકિસ્તાનના માટે ભારત માટે હજી પણ એ પડકાર છે કે કેવી રીતે આતંકવાદ અને વાતચીત એક સાથે ન થઈ શકે તેવા પોતાના વલણ પર કાયમ રહેલા તેની સાથે સંબંધોને સામાન્ય બનાવી રાખવા. આ સીવાય નેપાળ, બાંગ્લાદેશ જેવા BIMSTEC દેશો સાથે સંબંધો મજબૂત કરવા જેવા પડકારો છે, જ્યાં ચીને પહેલાથી જ પોતાનો પ્રભાવ બનાવી રાખ્યો છે.

તો આપણા પાડોશમાં ચીન જેવો દેશ છે કે જે પોતાની આક્રામક સામરિક નીતિના કારણે હંમેશા મુશ્કેલીઓ ઉભી કરતો રહે છે. ચીનની સાથે જ આપણા ઘણા અનસોલ્વ મુદ્દાઓ છે. નવા વિદેશ પ્રધાનને પીએમઓ અને અન્ય પ્રમુખ સંસ્થાઓ સાથે સમન્વય બનાવીને ચીન સાથે સંબંધો મામલે પ્રયાસો કરવા પડશે. ડોકલામ વિવાદ સુલઝાવવામાં જયશંકરની ભૂમિકાને જોતા તેમની આ ક્ષમતા પર સંદેહ ન કરી શકાય.

ખાડી દેશો સાથે સંબંધો મામલે ભારતે પોતાના પગ મજબૂતીથી જમાવ્યા છે. મધ્ય પૂર્વમાં આશરે 80 લાખ ભારતીય રહે છે અને કામ કરે છે. તેલ-ગેસ એટલે કે ભારતની ઉર્જા સુરક્ષાના દ્રષ્ટીકોણથી આ ક્ષેત્ર મહત્વપૂર્ણ છે. પરંતુ આ ક્ષેત્રના દેશોની પરસ્પર વૈમનસ્યતા અને પાકિસ્તાન સાથેના તેમના સંબંધોના કારણે ભારત માટે આ સંબંધને સંભાળી રાખવા એક પડકારરુપ કામ છે.

અમેરિકા સાથે આપણા સંબંધો મજબૂત છે. પરંતુ એચ-1બી વિઝા અને વ્યાપારના મુદ્દે ઘણા વિવાદના મામલા છે. ઈરાન અને ટેરિફના ઘણા મામલાઓ પર અમેરિકા સાથે સંબંધો થોડા બગડ્યા પણ છે. પરંતુ અત્યારે આને સામાન્ય ન કહી શકાય. ભારત હવે ડિફેન્સ, પરમાણુ ઉર્જા અને અંતરિક્ષના ક્ષેત્રમાં રશિયા સાથે ફરી પોતાના સંબંધો મજબૂત કરવામાં લાગેલું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]