વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એમના દેશની મુલાકાતે આવેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની હાજરીમાં કશ્મીર વિશે એક વિવાદાસ્પદ નિવેદન કરીને માત્ર ભારત જ નહીં, પણ આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે.
પાકિસ્તાન સાથે દાયકાઓ જૂના કશ્મીર પ્રશ્નને ઉકેલવા માટે મધ્યસ્થી કરવાની પોતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિનંતી કરી હોવાનો ટ્રમ્પે સોમવારે જાહેરમાં દાવો કરીને આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી. એમના આ નિવેદનની ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર સીધી અસર પડી શકે છે.
મોદીએ ટ્રમ્પને એવી કોઈ વિનંતી કરી નથી એવી ભારત સરકારે સ્પષ્ટતા કરી દીધી છે.
હવે આવતા મહિને G-7 શિખર સંમેલન દરમિયાન ટ્રમ્પને પીએમ મોદીને મળવાનું થશે. G-7 સંમેલન ફ્રાન્સના બિયારિત્ઝ શહેરમાં 24-26 ઓગસ્ટ દરમિયાન યોજાવાનું છે. એ વખતે ટ્રમ્પ અને મોદી આમનેસામને આવશે.
G-7 સંમેલનમાં ભારતને આમંત્રણ
G-7 એટલે કે ગ્રુપ-7, દુનિયાના સાત ટોચના સમૃદ્ધ દેશોના શિખર સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનું ભારત સહિત 4 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ સંમેલનમાં હાજર રહેવાનું ફ્રાન્સના પ્રમુખ ઈમેનુએલ મેક્રોએ પીએમ મોદીને આમંત્રણ આપ્યું છે. આ મેક્રોનું અંગત આમંત્રણ છે. ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ચીલીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
G-7માં અમેરિકા સભ્ય દેશ છે. અન્ય 6 દેશ છે – ફ્રાન્સ, બ્રિટન, કેનેડા, ઈટાલી, જર્મની અને જાપાન.
આગામી G-7 સંમેલન દરમિયાન મોદી અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે કે કેમ એ વિશે હજી કંઈ સત્તાવાર રીતે જાણકારી મળી નથી. જોકે ભૂતકાળમાં આ પ્રકારના શિખર સંમેલનો વખતે બંને નેતા વ્યક્તિગત રીતે મળી ચૂક્યા છે એટલે આ વખતે પણ મળશે એવી ધારણા છે અને ત્યારે ટ્રમ્પને એમના જૂઠાણા વિશે બોલવું પડશે.
ટ્રમ્પના દાવાને પગલે ભારતમાં રાજકીય સ્તરે ઉહાપોહ મચી ગયો છે. વિરોધ પક્ષ કોંગ્રેસે માગણી કરી છે કે વડા પ્રધાન મોદી સંસદમાં જાતે નિવેદન કરે. મોદી હજી સુધી હાજર થયા નથી. કદાચ એનું કારણ એ હશે કે મોદી સરકાર આ વિવાદને ચગાવવા માગતી નથી. જોકે વિદેશ મંત્રાલયે તો સ્પષ્ટ અને કડક શબ્દોમાં ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો છે.
મોદી અને ટ્રમ્પે છેલ્લે ગયા મહિને જાપાનના ઓસાકા શહેરમાં G-20 શિખર સંમેલન વખતે વ્યક્તિગત રીતે મળ્યા હતા.
G-7 સમૂહના દેશો દુનિયાના સૌથી સમૃદ્ધ દેશો કે સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો છે. પહેલાં આ ગ્રુપ G-8 તરીકે જાણીતું હતું, પરંતુ રશિયા 2018માં એમાંથી બહાર થઈ જતાં હવે આ G-7 તરીકે ઓળખાય છે.