ઈમરાન ખાને કબુલ્યુંઃ ‘પુલવામા એટેક પાછળ જૈશ-એ-મોહમ્મદનો જ હાથ હતો’

વોશિંગ્ટનઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના દેશમાં આતંકી સંગઠનોની ઉપસ્થિતિનો સ્વીકાર કર્યો છે. પરંતુ પોતાના આ દાવા સાથે તેમણે એક વિવાદિત નિવેદન પણ આપ્યું. પુલવામામાં આતંકી હુમલા મામલે ઈમરાન ખાને કહ્યું કે આ એક એવો મામલો હતો જેને સ્થાનીય આતંકીઓએ અંજામ આપ્યો હતો. તેમણે દાવો કર્યો કે જૈશ-એ-મોહમ્મદ ન માત્ર પાકિસ્તાનમાં ઉપસ્થિત છે પરંતુ કાશ્મીરમાં પણ છે અને ત્યાંથી કામ કરે છે.

ઈમરાન ખાનના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તે એ વાતનો સ્વીકાર કરી રહ્યા છે કે પુલવામા આતંકી હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો જ હાથ હતો, જેનો આકા મસૂદ અઝહર છે. જો કે આ પહેલા આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન ખુદની જમીન પર જૈશ-એ-મોહમ્મદની ઉપસ્થિતીને નકારતુ આવ્યું છે. તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ તેની ભલામણ પર ચીને મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાનો વિરોધ કર્યો હતો.

આપને જણાવી દઈએ કે આ જ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. જેમાં CRPF ના 40 જવાનો શહિદ થયા હતા, આ હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદનો હાથ હતો. પુલવામા હુમલા પાછળ જૈશ-એ-મહોમ્મદનો હાથ હતો, આ વાતના સબૂત ભારતે પાકિસ્તાનને સોંપ્યા પણ હતા. આટલું જ નહી પરંતુ જે આતંકી અડ્ડાઓથી આ હુમલાની સાજિશ રચવામાં આવી હતી, ત્યાં બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી હતી અને આતંકીઓના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા.

માત્ર પુલવામામાં જ નહી પરંતુ ન્યૂયોર્કમાં થયેલા 9/11 આતંકી હુમલાને લઈને તેમણે ટિપ્પણી કરી, તેમણે કહ્યું કે તે હુમલાને પાકિસ્તાન સાથે કોઈ લેવા દેવા નથી. ઈમરાન ખાને આ દાવો એક ઈન્ટરવ્યુમાં કર્યો છે. અમેરિકાના પ્રવાસ પર ગયેલા ઈમરાન ખાને ત્યાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી અને કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો. ત્યારથી તેઓ નિશાના પર છે. આ જ ઈન્ટરવ્યુમાં તેમણે પાકિસ્તાનમાં 40 આતંકી સંગઠન કામ કરતા હોવાની વાતની કબૂલાત પણ કરી છે. ઈમરાન ખાને દાવો કર્યો કે પાકિસ્તાનની ગત સરકારોએ અમેરિકાને આતંકી સંગઠનો મામલે સાચુ નથી જણાવ્યું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]