બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જોન્સનનું ભારત સાથે ખાસ કનેક્શન, જોકે…

લંડનઃ બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જોનસનનો ભારત સાથે ખાસ સંબંધ છે. ગત વર્ષે જ તેમનાથી અલગ થનારી પત્ની મૈરિના વ્હીલર પત્રકાર સર ચાર્લ્સ વ્હીલર અને દીપ સિંહની દિકરી છે. વ્હીલર બીબીસીના ભારતના સંવાદદાતા તરીકે કામ કરતા હતાં અને 1961માં દિલ્હીમાં જ એક શીખ મહિલા દીપ સાથે લગ્ન કર્યા હતા. દીપ સિંહે મૈરિનાના પિતા સાથે લગ્ન કર્યાં પહેલાં જાણીતા લેખક ખુશવંતસિંહના ભાઈ દસજીતસિંહ સાથે લગ્ન કર્યાં હતાં.

તાજેતરમાં જ ભારતીય પ્રવાસીઓના એક કાર્યક્રમને સંબોધિત કરતા બોરિસે પોતાને ભારતના જમાઈ ગણાવ્યાં હતાં. તેમણે પોતાનો ભારત સાથે ખાસ સંબંધ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

બોરિસે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન પણ તેમણે એ વાત પર જોર આપ્યું હતું કે ભારત અને બ્રિટનને સાથે મળીને ઘણા મોરચા પર કામ કરવાની જરુરિયાત છે. તેમણે ભારત સાથે પોતાના સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે બંન્ને દેશોને પરસ્પર વ્યાપાર વધારવાની જરુર છે.થેરેસા મેના રાજીનામા બાદ બોરિસ જોનસન કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા વડાપ્રધાન પદ માટે પસંદ કરાયા હતા. તેમણે જેરેમી હંટને મ્હાત આપી હતી. બોરિસ જોનસનને 92153 વોટ મળ્યા હતા, જ્યારે જેરેમી હંટને 46,656 વોટ મળ્યા હતા.

બોરિસે વડાપ્રધાન પસંદ થયા બાદ કહ્યું કે હું તમામ લોકોનો આભાર માનું છું. કેમ્પેનનો સમય સમાપ્ત થયો છે અને હવે દેશ અને પાર્ટીની એકતા માટે કામ કરવાનો સમય આવી ગયો છે. આપણે બ્રેક્ઝિટ ડિલિવર કરીશું. આપને જણાવી દઈએ કે બ્રેક્ઝિટને લઈને સમજૂતી નહીં થવા પર થેરેસા મેને રાજીનામું આપવું પડ્યું હતું.