મેક્ડોનાલ્ડ્સ, કોક, પેપ્સીએ પણ રશિયાનો ત્યાગ કર્યો

ન્યૂયોર્કઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પડોશના યૂક્રેન ઉપર લશ્કરી આક્રમણ કર્યું એની સામે દુનિયાના દેશોમાં પ્રચંડ વિરોધ ઊભો થયો છે. અમેરિકા, પશ્ચિમી દેશો સહિત અનેક દેશોએ રશિયા પર આર્થિક નિયંત્રણો લાદ્યા છે. લશ્કરી હુમલાના વિરોધમાં અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓએ રશિયા સાથેના બિઝનેસ સંબંધ કામચલાઉ રીતે તોડી નાખ્યા છે અથવા સસ્પેન્ડ કરી દીધા છે. વિરોધ દર્શાવનાર અને રશિયામાંથી હિજરત કરી જનાર કંપનીઓની યાદીમાં મેક્ડોનાલ્ડ્સ, સ્ટારબક્સ, કોકા-કોલા અને પેપ્સીકો, જનરલ ઈલેક્ટ્રિક જેવી માતબર કંપનીઓ/બ્રાન્ડ પણ સામેલ થઈ છે.

કોકા-કોલાએ રશિયામાં પોતાનો બિઝનેસ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. કંપનીની સ્વિટ્ઝરલેન્ડસ્થિત પાર્ટનર કંપની કોકા-કોલા હેલેનિક બોટલિંગ કંપની રશિયામાં 10 બોટલિંગ પ્લાન્ટ ધરાવે છે. સ્વિસ બોટલિંગ કંપનીમાં કોકનો 21 ટકા હિસ્સો છે.