મસૂદનો બચાવ કરનારા ચીને કહ્યું, પાક.માં અમારા નાગરિકો પર હુમલાનું જોખમ

ઈસ્લામાબાદ- આતંકી મસૂદ અઝહરનો સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સમાવેશ કરવાને લઈને ભારતના પ્રયાસોમાં અવરોધ ઉભું કરનારું ચીન હવે ખુદ પાકિસ્તાનની આતંકી પ્રવૃત્તિથી ડર્યું હોય તેમ લાગી રહ્યું છે. આ જ કારણ છે કે, ચીને પાકિસ્તાન સ્થિત પોતાના દૂતાવાસને પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકોને એલર્ટ રહેવા સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ચીને ભ્રષ્ટાચારનો આરોપ સામે આવ્યા બાદ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને (CPEC) આપવામાં આવતા ફંન્ડિંગ પર રોક લગાવી છે. પાકિસ્તાનમાં આ સમાચાર સામે આવ્યા બાદ ચીને પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકોને આતંકી હુમલાથી સચેત રહેવા સૂચના આપી છે.

ચીનના સરકારી અખબારે ચીની દૂતાવાસ દ્વારા એડવાઈઝરી જારી કર્યા હોવાની માહિતી આપી છે. સમાચાર પત્રએ ટ્વીટ કરીને પાકિસ્તાન સ્થિત ચીની દૂતાવાસને પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકો અને સંગઠનોને સુરક્ષાના દ્રષ્ટિકોણથી વધુ સતર્ક રહેવા જણાવ્યું છે અને ભીડભાડવાળી જગ્યાઓ પર નહીં જવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં હુમલાની ઘટના એ કોઈ નવી વાત નથી.

આપને જણાવી દઈએ કે, ભારત વૈશ્વિક મંચ ઉપર સતત એ મુદ્દો ઉઠાવતું રહ્યું છે કે, પાકિસ્તાનમાં અનેક આતંકી સંગઠનો સક્રિય છે. દિલ્હી સરકાર જૈશ-એ-મોહમ્મદના ચીફને UNના બ્લેક લીસ્ટમાં મુકવા પણ અનેકવાર ભલામણ કરી ચૂક્યું છે. જોકે ચીન ભારતના પ્રયાસોમાં દરેક વખતે અવરોધ ઉભો કરવામાં કોઈ કસર બાકી નથી રાખતું.

ચીન વિશ્વની પાંચ મહાસત્તાઓ પૈકી એક દેશ છે, જેની પાસે વિટો પાવરની સત્તા છે. ચીન સિવાય વિટો અધિકાર ધરાવનારા દરેક દેશ ભારતના પ્રયાસોનું સમર્થન કરતા રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રએ મસૂદ અઝહરના સંગઠન જમાદ-ઉદ-દાવાનો પહેલેથી જ બ્લેક લીસ્ટમાં સમાવેશ કર્યો છે. તો અમેરિકાએ કુખ્યાત આતંકી મસૂદ અઝહર ઉપર ઈનામ પણ જાહેર કર્યું છે. તેમ છતાં ચીનના અક્કડ વલણમાં કોઈ જ પરિવર્તન નથી આવી રહ્યું.