કેમ્બ્રિજ એનાલિટિકા મામલો: માર્ક ઝુકરબર્ગે ભૂલ સ્વીકારી, બદલાવની કરી જાહેરાત

વોશિંગ્ટન- ડેટા લીક પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદ ફેસબુક સતત ચર્ચામાં રહ્યું છે. આ દરમિયાન ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે પોતાની ભૂલ સ્વીકારી છે અને આ મુદ્દે ફેસબુક પર પોસ્ટ લખી છે. પોતાની પોસ્ટમાં ઝુકરબર્ગે જણાવ્યું છે કે, આ મામલાની ગંભીરતા જોતાં કંપનીએ ઘણા પગલા ભર્યાં છે અને આગળ પણ સાવચેતી માટે પગલા ભરવામાં આવી શકે છે.ઝુકરબર્ગે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘લોકોનો ડેટા સુરક્ષિત રાખવો અમારી જવાબદારી છે, જો અમે તેમાં નિષ્ફળ થઈએ તો એ અમારી ભૂલ છે’. વધુમાં ઝુકરબર્ગે જણાવ્યું કે, અમે આ માટે પહેલા પણ અનેક પગલા ભર્યાં હતાં. પરંતુ હાલના સમયમાં જે ભૂલ સામે આવી છે તેને સુધારીલેવા કામ શરુ કરી દેવામાં આવ્યું છે. અમે ફરી એકવાર લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ થઈશું.

પોતાની પોસ્ટમાં ઝુકરબર્ગે સમગ્ર મામલાની ટાઈમ લાઈનને સમજાવી. ઝુરકબર્ગે લખ્યું કે, વર્ષ 2007માં અમે ફેસબુકમાં અનેક પ્રકારના બદલાવ કર્યા હતા. જેમાં મિત્રોના જન્મદિવસ, એડ્રેસ બુક, મેપ જેવી અનેક પ્રકારની એપનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના માટે અમે ફેસબુક યુઝર પાસેથી જાણકારી પણ મેળવી હતી.

2013માં કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિસર્ચર એલેકઝાંડર કોગને એક પર્સનલ ક્વિઝએપ તૈયાર કરી હતી. જેને આશરે 3 લાખ લોકોએ ઈન્ટોલ કરી હતી. જેમાં કેટલાક પર્સનલ ડેટાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. જેનાલીધે એ ત્રણ લાખ લોકોનો ડેટા શેર થયો એટલુંજ નહીં પરંતુ એલેકઝાંડર કોગનના કેટલાક મિત્રોની પણ ખાનગી માહિતી સાર્વજનિક થઈ હતી.

ઝુકરબર્ગે લખ્યું કે, વર્ષ 2014માં અમે એપ અને ડેટા શેરિંગના પ્રકારમાં સદંતર બદલાવ કર્યો હતો. ત્યારબાદ કોઈ અન્ય એપ્લીકેશન કોઈ યૂઝરનો ડેટા માગે તો તેમાં યૂઝરની પરવાનગી અનિવાર્ય કરવામાં આવી હતી. પરંતુ 2015માં એક અખબારના રિપોર્ટમાં સામે આવ્યું કે, કોગને આ ડેટા કેમ્બ્રિજ એનાલિટિકા કંપની સાથે શેર કર્યો છે. જે નિયમો વિરુદ્ધ હતો. ત્યારબાદ અમે તરત જ કોગનની એપ્લીકેશનને ફેસબુક પર બેન કરી હતી. અને કોગન અને કેમ્બ્રિજ એનાલિટિકાને દરેક યુઝરનો ડેટા ડિલીટ કરવા જણાવ્યું હતું.