ભારત છોડતા પહેલાં અરૂણ જેટલીને મળ્યો હતો, સમાધાનની ઓફર કરી હતી; માલ્યાનો દાવો

લંડન – ભારતમાં કરોડો રૂપિયાની છેતરપીંડીના કેસમાં મની લોન્ડરિંગના આરોપી વિજય માલ્યા ભારત સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ભારત સરકારે આ ભાગેડૂ જાહેર કરાયેલા ઉદ્યોગપતિના પ્રત્યાર્પણ માટે લંડનની કોર્ટમાં કેસ કર્યો છે.

માલ્યાએ આજે એવો દાવો કર્યો છે કે પોતે દેશ છોડીને ભાગી ગયો એ પહેલાં કેન્દ્રીય નાણાં પ્રધાનને મળ્યો હતો અને એમને સમાધાનની ઓફર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, માલ્યા 2016ના માર્ચમાં ભારતમાંથી ભાગીને બ્રિટનમાં ગયો હતો ત્યારે અરૂણ જેટલી નાણાં પ્રધાન હતા અને એ જ અત્યારે પણ છે.

માલ્યા પ્રત્યાર્પણ કેસમાં સુનાવણી માટે આજે અત્રેના વેસ્ટમિન્સ્ટર ખાતેની મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોતાના વકીલો સાથે આવી પહોંચ્યો હતો.

કોર્ટની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં માલ્યાએ કહ્યું કે, મારે જિનેવામાં એક મીટિંગમાં હાજરી આપવા જવાનું હતું. હું ભારતમાંથી રવાના થતા પહેલાં નાણાં પ્રધાનને મળ્યો હતો અને બેન્કો સાથે સમાધાન કરવાની મારી ઓફરનો પુનરોચ્ચાર કર્યો હતો.

માલ્યાએ વધુમાં એમ પણ કહ્યું છે કે પોતે કર્ણાટકની હાઈ કોર્ટ સમક્ષ સમાધાનની મોટી ઓફર મૂકી હતી જેનાથી લોનની રકમની ચૂકવણી કરવામાં ઘણી મદદ મળી શકી હોત.

સુનાવણી વખતે ભારતીય સત્તાવાળાઓએ મેજિસ્ટ્રેટને જેલની એ કોટડીનો વિડિયો દર્શાવ્યો હતો જે માલ્યાને પૂરવા માટે તૈયાર કરવામાં આવી છે.

કિંગફિશર એરલાઈન્સનો 62 વર્ષીય ભૂતપૂર્વ માલિક માલ્યા ગયા વર્ષના એપ્રિલમાં એની ધરપકડ કરાઈ ત્યારથી એક્સ્ટ્રાડિશન વોરંટ પર જામીન પર છૂટ્યો છે.

માલ્યા પર આરોપ છે કે એણે ભારતની બેન્કો પાસેથી રૂ. 9000 કરોડ જેટલી રકમની લોન લીધી હતી, પણ એ પાછી ચૂકવી નથી. આમ, એની પર છેતરપીંડી તથા મની લોન્ડરિંગના આરોપ મૂકાયા છે.

માલ્યાનો દાવો છે કે એણે અને એની યુનાઈટેડ બ્રુવરિઝ ગ્રુપ કંપનીએ કર્ણાટક હાઈકોર્ટમાં 2018ની 22 જૂને અરજી નોંધાવી હતી અને આશરે રૂ. 13,900 કરોડની કિંમતની પોતાની સંપત્તિ લોન ભરપાઈ કરવા માટે ઉપલબ્ધ હોવાનું કહ્યું હતું.

માલ્યાના પ્રત્યાર્પણ કેસ પરની કાર્યવાહી ગયા વર્ષની 4 ડિસેંબરથી લંડનની કોર્ટમાં શરૂ થઈ હતી.

httpss://twitter.com/ANI/status/1039857770013618177