માલે- માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનની પાર્ટીએ એક અરજી દાખલ કરીને ગત મહિને યોજાયેલી ચૂંટણીમાં તેમને મળેલા કારમા પરાજયને કોર્ટમાં પડકાર્યો છે. આ દરમિયાન અબ્દુલ્લા યામીન પર રાષ્ટ્રપતિનું પદ છોડવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે.અબ્દુલ્લા યામીનની પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સના વકીલે પત્રકારોને જણાવ્યું કે, તેમનો આરોપ છે કે, સ્વતંત્ર ચૂંટણી પંચે 23 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીના મતદાનમાં ગોટાળા કર્યા છે.
જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે, માલદીવની સર્વોચ્ચ અદાલત અબ્દુલ્લા યામીનના પડકારને વિચાર અર્થે સ્વીકાર કરશે અથવા નહીં. ઉલ્લેખનીય છે કે, માલદીવમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે 58.4 ટકા મત મેળવીને ચૂંટણી જીતી લીધી હતી.
માલદીવ સંવિધાન મુજબ અબ્દુલ્લા યામીન 17 નવેમ્બર સુધી રાષ્ટ્રપતિના પદ પર રહી શકે છે. જો અદાલત યામીનની અરજી અંગે કોઈ દખલ નહીં કરે તો, ત્યારબાદ તેમણે ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને સત્તા સોંપવી પડશે.