માલે- ભારતની ચેતવણીની અવગણના કરીને માલદીવમાં રાજકીય કટોકટી વધુ 30 દિવસ વધારવામાં આવી છે. માલદીવ સરકારના આ નિર્ણયે ભારતને માલદીવના પ્રેસિડેન્ટ અબ્દુલ્લા યામીન અને માલદીવ પ્રશાશન વિરુદ્ધ પગલાં લેવા મજબૂર કર્યું છે.મંગળવારે ઈમરજન્સીની મુદ્દત પુરી થવાના થોડા કલાકો પહેલા ભારતે માલદીવને ચેતવણી આપી હતી કે, હવે ઈમરજન્સીની મર્યાદા વધારવામાં ન આવે. તેમ છતાં માલદીવ સરકારે બધી જ ચેતવણીને અવગણીને દેશમાં રાજકીય કટોકટીની મર્યાદા લંબાવી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘અમે આશા રાખીએ છીએ કે, માલદીવ સરકાર ઈમરજન્સીની સમય મર્યાદા વધારશે નહીં. જેથી દેશમાં રાજકીય સ્થિતિ સામાન્ય કરી શકાય’.
ભારતની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ગતરોજ માલદીવની સંસદમાં નેશનલ સિક્યોરિટી પાર્લિયામેન્ટ્રી કમિટિએ અબ્દુલ્લા યામીનનો હવાલો આપીને દેશમાં રાજકીય કટોકટીને 30 દિવસ સુધી વધારવા માટે અરજી કરવામાં આવી હતી.
માલે સરકારના રિપોર્ટ્સ મુજબ માલદીવ સંવિધાન અનુસાર મતદાન માતદાન માટે 43 સાંસદોની આવશ્યકતા હોવા છતાં ફક્ત 38 સાંસદો હાજર રહ્યાં હતાં. હાજર રહેલાં બધાં જ સાંસદો સત્તાધારી પાર્ટીના હતા અને તેમણે દેશમાં કટોકટી વધારવાને સમર્થન આપ્યું હતું. જોકે વિરોધ પક્ષે આ મતદાનનો બહિષ્કાર કર્યો હતો જેથી દેશમાં ઈમરજન્સી વધારવાની અરજીને નામંજૂર કરી શકાય. તેમ છતાં ઈમરજન્સી વધારવાની અરજી માન્ય કરવામાં આવી છે. જે આગામી 22 માર્રે પુરી થશે.