પાકિસ્તાનમાં વધી રહ્યું છે ચીનનું પ્રભુત્વ, મંદારિન ભાષાને આપ્યો સત્તાવાર દરજ્જો

ઈસ્લામાબાદ- પાકિસ્તાન પર ચીનનું પ્રભુત્વ સતત વધી રહ્યું છે. આ વાતનો અણસાર એના પરથી આવી શકે છે કે, પાકિસ્તાનની સેનેટમાં ચીનની મંદારિન ભાષાને દેશની સત્તાવાર ભાષામાં સ્થાન આપવામાં આવ્યું છે. જાણકારોનું માનીએ તો, પાકિસ્તાન ઉપર ચીનનું વધી રહેલું પ્રભુત્વ ચિંતાનો વિષય છે. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, પાકિસ્તાન ચીનની વસાહત બની રહ્યું છે.સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ ચીનની મંદારિન ભાષાને પાકિસ્તાનમાં સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ચીનમાં મંદારિન અને કૈંટોની જેવી અનેક ભાષા પ્રચલિત છે, જોકે સોથી વધુ મંદારિન ભાષા બોલવામાં આવે છે.

પાકિસ્તાને મંદારિન ભાષાને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવાનું પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે ચીનનું દખલ પાકિસ્તાનમાં સતત વધી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, PoKમાં ચીનની સેનાના દેખરેખમાં અનેક પરિયોજના ઉપર કામ ચાલી રહ્યું છે. ઉપરાંત ચીને 60 અબજ ડોલરના ખર્ચે CPEC ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. જે PoKમાંથી પસાર થશે.

રાજકીય પંડિતોનું માનીએ તો, ચીનની વિસ્તારવાદી યોજના લાંબાગાળાની છે અને ભવિષ્યમાં પાકિસ્તાનને ચીનની વસાહત બનાવવા ચીન પ્રયાસ કરી રહ્યું છે. CPEC યોજના માટે પાકિસ્તાને ચીનને હજારો એકર ખેતી લાયક જમીન ભાડા પર આપી છે. જેના પર ચીન ફાઈબર ઓપ્ટિક સિસ્ટમ સ્થાપિત કરશે. CPEC દ્વારા ચીન પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સુધી તેની પહોંચ બનાવશે.

પાકિસ્તાનની સેનેટમાં પસાર કરવામાં આવેલા એક પ્રસ્તાવમાં જણાવ્યા મુજબ CPEC પ્રોજેક્ટ બન્ને દેશો વચ્ચે સંબંધો સુધારવા મહત્વનો પ્રોજેક્ટ બની રહેશે. આર્થિક કોરિડોરને ધ્યાનમાં રાખીએ તો આ પરસ્પર સંવાદ જરુરી છે.